Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

દરેક પડકારના સામના માટે નૌસેના તૈયાર છે : હરીકુમાર

ચાર ડિસેમ્બરે નેવી ડેની ઉજવણી થશે : આત્મનિર્ભર ભારત હેઠળ સાત વર્ષમાં ૨૮ લડાકુ જહાજો તેમજ સબમરિન નૌસેનામાં સામેલ કરવામાં આવ્યા છે

નવી દિલ્હી, તા.૩ : ચાર ડિસેમ્બરે ઉજવાનારા નેવી ડેના એક દિવસ પહેલા નૌસેના ચીફ એડમિરલ આર હરીકુમારે આજે કહ્યુ હતુ કે, દેશના  દરિયાઈ સિમાડાઓની રક્ષા માટે નૌસેના હંમેશા યુધ્ધ સ્તરે તૈયાર હોય છે. તેમણે કહ્યુ હતુ કે, દરેક જાતના પડકારને પહોંચી વળવા માટે નૌસેના તૈયાર છે.કોવિડ દરમિયાન નૌસેનાએ લકોને મદદ કરી હતી.નૌસેનાના ૧૦ જહાજોએ મિત્ર દેશોને પણ કોરોનાની દવા, વેક્સીન પહોચાડી હતી.

એડમિરલ આર હરીકુમારે કહ્યુ હતુ કે, ભારતીય નૌસેનાએ ૨૨ દેશો સાથે દ્વિ પક્ષીય અથવા સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો છે.આત્મનિર્ભર ભારત હેઠળ સાત વર્ષમાં ૨૮ લડાકુ જહાજો તેમજ સબમરિન નૌસેનામાં સામેલ કરાયા છે.બીજા ૩૯ જહાજો અને સબમરિનના નિર્માણની કામગીરી ચાલી રહી છે.વિમાન વાહક જહાજ વિક્રાંતની બે દરિયાઈ ટ્રાયલ પુરી થઈ ચુકી છે.નેવીમાં ૯ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર, ૨ ચીતા હેલિકોપ્ટર તેમજ બે ડોર્નિયર વિમાનોને સામેલ કરાયા છે.

તેમણે કહ્યુ હતુ કે, અલગ અલગ હોદ્દાઓ પર મહિલાઓને સામેલ કરવા માટે પણ નૌસેના રેડી છે.દરમિયાન નૌસેનાના ઓર્ડર લીક થવાની ઘટનામાં સીબીઆઈ તેમજ નૌસેના તપાસ કરી રહી છે.

ચીન માટે તેમણે કહ્યુ હતુ કે, ચીની નૌસેના ૨૦૦૮થી હિન્દ મહાસાગરમાં મોજુદ છે.તેના સાત થી આઠ જહાજો પેટ્રોલિંગ કરતા હોય છે.ચીનની હિલચાલ પર અણારી નજર છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને ૧૧૦ યુધ્ધ જહાજોનુ નિર્માણ કર્યુ છે અને તેની જાણકારી ભારત પાસે છે.

(12:00 am IST)