Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

અમેરિકાના ભેંકાર ઉટાહના રણમાં દેખાયેલ ભેદી થાંભલો ફરી દેખાયોઃ વૈજ્ઞાનિકો માટે તપાસનો વિષય

વોશિંગ્ટન: અમેરિકાના વિરાન અને અનંત એવા ઉટાહના રણમાં આકાશી ખાલીપાને ખૂંદી રહેલાં હેલિકોપ્ટરના ક્રૂએ અચાનક નીચે આંજી નાખી તેવી ઝગમગતી ચીજ જોઈ અને નીચે ગયા તો તેમને મળ્યો રહસ્યમયી, ભેદી, ચકરાવે ચઢાવતો, સંભવતઃ સ્ટીલનો બનેલો થાંભલો. આ હેલિકોપ્ટર ક્રૂના સભ્યોએ સમજી ન શક્યા કે આ વિરાન રણમાં સાવ આવી ભેંકાર જગ્યાએ કોઈએ બબ્બે માથોડા ઊંચો આ થાંભલો અહીં શા માટે લગાવ્યો છે. કોઈ એનું કારણ આપી શકે એમ ન હતું. આ ક્રૂએએ વિસ્મયકારક થાંભલાની ફોટોગ્રાફી કરી તેને ઈન્ટરનેટ પર વહેતું કર્યું. ઈન્ટરનેટ પર આ ભેદી ઘટનાક્રમ આગની માફક વાયરલ થઈ ગયો.

હજુ એની ચર્ચા ચાલતી જ હતી ત્યાં કોઈએ નવા ફોટોગ્રાફ ઈન્ટરનેટ પર મુક્યાં. આ વખતે ફોટોગ્રાફ હતાં એ જ થાંભલાને કોઈ હટાવી રહ્યું હતું. જે વ્યક્તિએ આ ફોટોગ્રાફ લઈ લીધાં એણે પ્રત્યક્ષ રીતે જોયા પ્રમાણે ચાર ભેદી વ્યક્તિઓએએ થાંભલાને કાઢીને ત્યાંથી લઈ ગયા. દરમિયાન કોઈની પણ ઓળખ છતી થઈ ન શકી. ચર્ચાનો દોર ચાલ્યો કે શું આ કોઈ એલિયન કે પછી એ પ્રકારના કોઈ ભેદી પ્રોજેક્ટનો ભાગ છે. આખરે શું કારણ હોય શકે કે આવો સ્ટીલનો લાગતો ધાતુનો બે માથોડા ઊંચો થાંભલો આવી રીતે રણ વચાળે કોઈ નાખી જાય અને પછી પાછો કાઢી પણ જાય.

જો કે એની પણ ભાળ મળી શકી નહીં બધા કયાસ જ લગાવી રહ્યાં હતાં. કોઈએ ઈન્ટરનેટ પર લખ્યું કે આ થાંભલો એવો જ છે જેવો હોલિવૂડ મૂવી 2001: સ્પેસ ઓડિસીમાં દર્શાવાયો હતો. થાંભલો હેલિકોપ્ટરના ક્રૂએ જોયો એ સૌથી પહેલી ઘટના હતી. એ તારીખ હતી 18મી નવેમ્બરની. એ પછી થોડાક જ દિવસોમાં એ થાંભલો હટાવી લેવાયો અને ત્યાં જ નવો ફણગો ફૂટ્યો. નોર્થ અમેરિકાના ઉટાહના રણથી છેક યુરોપના મધ્યમાં આવેલાં રોમાનિયામાં એવો જ ધાતુનો એક થાંભલો દેખાયો એ પણ રહસ્યમય રીતે એક ભેંકાર જગ્યા પર અચાનક જ જોવા મળ્યો.

ઘણાં બધાં લોકો આ સ્થળે પણ પહોંચીને તેનો ફોટોગ્રાફ ઈન્ટરનેટ પર મુકવા લાગ્યાં. હજું વધુ કંઈ બહાર આવે તે પહેલાં ત્યાંથી પણ થાંભલો ગાયબ થઈ ગયો. જી હા, રોમાનિયાના એ પર્વત પરથી પણ થાંભલો અચાનક અદ્રશ્ય થઈ ગયો. ત્યાં જ હવે સમાચાર મળી રહ્યાં છે કે, કેલિફોર્નિયાના પાઈન પર્વત પર એક વિરાન જગ્યાએ ફરી એક થાંભલો દેખાયો છે. પાઈન પર્વત પર પહોંચીને ઘણાં બધાં લોકોએ આ થાંભલાની તસવીરો ખેંચી છે. તેને ઈન્ટરનેટ પર શેર પણ કરી રહ્યાં છે.

જો કે લોકો ચર્ચા એ પણ કરી રહ્યાં છે કે બહુ જલદી આ થાંભલો પણ ગાયબ થઈ જશે. પણ આવું શા માટે થઈ રહ્યું છે? કોણ આવું કરી રહ્યું છે? શા માટે આવું થઈ રહ્યું છે? શું આ કોઈ અંતરિક્ષને લગતી વાત છે? શું આ કોઈ એલિયનની હરકત છે? શું આ કોઈ ભેદી પ્રોજેક્ટનો ભાગ છે? કે પછી કોઈ ટીખળખોરો આ કરી રહ્યાં છે ? આવા અનેક સવાલોના જવાબ શોધવા ગડમથલ ચાલી રહી છે. જોવાનું એ છે કે હવે આ થાંભલો આગળ ક્યાં જોવા મળે છે?

(5:46 pm IST)
  • આગામી બજેટમાં સરકારી તિજોરી છલકાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો? હવે ટેક્ષ ઉપર નવી 'સેસ' લાદવામાં આવે તેવી સંભાવના: ૧ ફેબ્રુઆરીએ આવી રહેલા આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર સંભવતઃ ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ ઉપર, નવી સેસ લાદવા જઈ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:15 am IST

  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST

  • હવે કર્ણાટક સરકાર પણ ' લવ જેહાદ ' કાનૂન લાવવાની તૈયારીમાં : ઉત્તર પ્રદેશમાં અમલી બનાવાયેલા કાનૂન મુજબ ફરજીયાત ધર્માન્તર અને લગ્ન માટે 10 વર્ષની જેલસજા તથા 50 હજાર રૂપિયાનો દંડ : હરિયાણા તથા મધ્ય પ્રદેશની સરકાર દ્વારા થઇ રહેલી વિચારણા બાદ હવે કર્ણાટક સરકાર પણ લવ જેહાદ કાનૂન લાવવા તૈયાર : હોમ મિનિસ્ટરની ઘોષણાં access_time 8:47 pm IST