Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

વ્યાજે રૂપિયા લેવાના ચક્કરમાં ફસાયેલા 'તારક મહેતા...'ના રાઈટરનો આપઘાત

ઈઝી લોન આપતી એપના ચક્કરમાં ફસાયા હતા અભિષેક મકવાણાઃ પરિવારે ફ્રોડ અને બ્લેકમેલિંગ થતું હોવાનો આક્ષેપ કર્યો છે

મુંબઇ, તા.૪: સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના રાઈટર્સ પૈકીના એક અભિષેક મકવાણાએ આપઘાત કર્યો છે. તેમની સ્યૂસાઈડ નોટમાં 'આર્થિક મુશ્કેલીઓ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમ પોલીસે જણાવ્યું છે. ટેલિવિઝન સીરિયલ લખતાં રાઈટરના પરિવારે આક્ષેપ કર્યો છે કે, તે સાયબર ફ્રોડ અને ધાક-ધમકીનો શિકાર થયા હતા. ગત અઠવાડિયે અભિષેક મકવાણાનું મોત થયું હતું.

પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના રાઈટર પૈકીના એક અભિષેક મકવાણાના મોત પછી તેમના પરિવાર અને મિત્રોને પણ ધૂતારાઓ તરફથી ફોન આવી રહ્યા છે. ફોન કરીને તેમની પાસેથી રૂપિયા માગવામાં આવી રહ્યા છે કારણ કે કથિત રીતે અભિષેકે તેઓને લોનમાં ગેરંટર બનાવ્યા હતા.

૨૭ નવેમ્બરના રોજ કાંદિવલી સ્થિત ફ્લેટમાં ૩૭ વર્ષીય અભિષેક મકવાણાનું અવસાન થયું હતું. જે બાદ ચારકોપ પોલીસે એકિસડેન્ટલ ડેથનો કેસ દાખલ કર્યો હતો. પોલીસે અભિષેકના પરિવારના નિવેદન નોંધ્યા હતા. જેમાં તેમના ભાઈ જેનિસે ખુલાસો કર્યો હતો કે, અભિષેકના ઈ-મેઈલની તપાસ કરતાં આર્થિક છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અભિષેકની સ્યૂસાઈડ નોટમાં છેલ્લા થોડા મહિનાઓથી આર્થિક પરેશાનીઓ વેઠી રહ્યાનો ઉલ્લેખ હતો પરંતુ વિગતવાર માહિતી નહોતી, તેમ પોલીસનું કહેવું છે.

અમારા સહયોગી મિરર સાથે વાત કરતાં જેનિસે કહ્યું, 'ભાઈનું મોત થયું ત્યારે હું અમદાવાદમાં હતો. રવિવાર પહેલા અંદાજો પણ નહોતો કે તે વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલો હશે. જયારે મારી પર રૂપિયાની ઉઘરાણી માટે ફોન આવ્યા ત્યારે સમજ પડી કે તે આવી જાળમાં ફસાયેલો હતો. જયારે ફોન કરનાર વ્યકિતને મેં જણાવ્યું કે, ભાઈનું નિધન થયું છે અને પરિવાર હાલ આ વિશે ચર્ચા કરી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે તે શખ્સ ગાળાગાળી પર ઉતરી આવ્યો હતો.

'મેં બાદમાં મારા ભાઈના ઈ-મેઈલ ચેક કર્યા કારણકે જયારથી તેનું અવસાન થયું છે ત્યારથી મને જુદા-જુદા નંબર પરથી કોઈ લોનની ઉદ્યરાણી માટે ફોન આવવા લાગ્યા હતા. એક ફોન બાંગ્લાદેશમાં રજિસ્ટર થયેલા નંબર પરથી આવ્યો હતો તો બીજો મ્યાનમારના નંબરથી અને બાકીના ફોન ભારતના જુદા-જુદા રાજયોમાંથી આવ્યા હતા. તેના ઈ-મેઈલ પરથી મને સમજાયું કે મારા ભાઈએ 'ઇઝી લોન' આપતી કોઈ એપ પરથી નાની રકમની લોન લીધી હતી, જેમાં વ્યાજદર ઊંચો હતો', તેમ જેનિસે કહ્યું.

બાદમાં જેનિસે ઈન્ટરનેટ પરથી એ એપ વિશે માહિતી એકઠી કરતાં ખબર પડી કે, ઘણા સાયબર ફ્રોડમાં આ લોકો (એપવાળા) સંડોવાયેલા હતા. જેનિસે કહ્યું, પછી મેં મારા ભાઈ અને તેમની વચ્ચે થયેલા ટ્રાન્ઝેકશન્સ બારીકાઈથી ચકાસ્યા હતા. મેં નોંધ્યું કે, મારા ભાઈએ લોન માટે અરજી ના કરી હોવા છતાં તેમણે નાની-નાની રકમ મોકલવાનું ચાલુ રાખ્યું હતું. તેમનો વ્યાજદર ૩૦ ટકા જેટલો ઊંચો હતો.

જેનિસનું કહેવું છે કે, તેના ભાઈના મોબાઈલમાં રહેલા ટેકસ્ટ મેસેજ પરથી સ્પષ્ટ થયું હતું કે તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો. તેમણે અભિષેકને કહ્યું હતું કે, જો તે રૂપિયા પાછા નહીં આવે તો માહિતી તેના મિત્રોને આપી દેવાશે. જેનિસને જાણ થઈ કે, અભિષેકના ઘણા મિત્રોને પણ આ પ્રકારના ફોન આવ્યા હતા ત્યારે તેણે ભાઈના કોન્ટેક લિસ્ટમાં રહેલા દરેક વ્યકિતને મેસેજ મોકલીને આ ધૂતારાઓની જાળમાં ના ફસાવાની ચેતવણી આપી હતી.

ચારકોપ પોલીસે જણાવ્યું કે, અભિષેક પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટ ગુજરાતીમાં હતી. 'સ્યૂસાઈડ નોટમાં અંગત જીવનની મુશ્કેલીઓ તેમજ આર્થિક પરેશાનીઓનો ઉલ્લેખ હતો, જે તે છેલ્લા દ્યણા મહિનાઓથી વેઠી રહ્યો હતો. અભિષેકે પરિવારની માફી માગતા લખ્યું હતું કે, તેણે પરિસ્થિતિનો સામનો કરવાની ખૂબ કોશિશ કરી પરંતુ હવે આ પીડા સહન નહીં કરી શકે કારણકે મુશ્કેલીઓ દ્યટવાને બદલે વધી જ રહી હતી'તેમ પોલીસે જણાવ્યું.

પરિવારે લગાવેલા ફ્રોડના આરોપો વિશે વાત કરતાં પોલીસે કહ્યું, 'અભિષેકના પરિજનોએ જે નંબર પરથી ફોન આવતા હતા તેની જાણકારી આપી છે. અમે ટ્રાન્ઝેકશનની વિગતો મેળવવા માટે બેંકનો સંપર્ક કર્યો હતો. ઉપરાંત કોલ રેકોર્ડ્સ માટે સર્વિસ પ્રોવાઈડર સાથે પણ વાત કરી હતી. હાલ તો કંપની મૃતકને પરેશાન કરતી હોય કે ફ્રોડ થયો હોય તેવા નક્કર પુરાવા મળ્યા નથી. જયારે પણ અમને કંઈ મળશે ત્યારે અમે તે કંપની સામે જરૂરી પગલાં ભરીશું.'

(3:28 pm IST)