Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સજાપાત્ર નેતાઓની ચૂંટણી ઉમેદવારી પર આજીવન પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવનો કેન્દ્ર સરકારે કર્યો વિરોધ

ભાજપ નેતા-વકીલે ગુનેગારોને ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ માટે જાહેરહિતની અરજી કરી હતી :આજીવન પ્રતિબંધ મૂકવાનું સંવૈધાનિક નથી.: સુપ્રીમકોર્ટમાં કેન્દ્રનું સોગંદનામું

નવી દિલ્હી : સજાપાત્ર નેતાઓને ચૂંટણી લડતા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની યાચિકા દાખલ થઈ હતી. એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ગુનેગાર નેતાઓ પર આજીવન પ્રતિબંધનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને એ સંદર્ભમાં કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો હતો. કેન્દ્ર સરકારે ગુનેગાર નેતાઓ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

સજાપાત્ર નેતાઓ આજીવન ચૂંટણી લડી ન શકે એ માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી થઈ હતી. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે અરજીમાં કહ્યું હતું કે ગુનેગારને ચૂંટણી લડવાની છૂટ મળવી ન જોઈએ. ગુનેગારને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. એટલું જ નહી, જે નેતાઓ સજાપાત્ર છે એને પણ ચૂંટણી લડતા અટકાવવા જોઈએ. અરજી પ્રમાણે સજા મેળવ્યા પછી જેલમાંથી છુટનારા વ્યક્તિને છ વર્ષ સુધી ચૂંટણી લડવાની છૂટ મળવી ન જોઈએ

આ અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો હતો. કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયે એક સોગંધનામુ રજૂ કરીને ગુનેગાર નેતાઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ક્રિમિનલ નેતાઓના બચાવમાં ઉતરેલા કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયે બંધારણને ટાંકીને કહ્યું હતું કે નાગરિકને  ચૂંટણી લડતા અટકાવવવાથી સમાનતાના અધિકારનો ભંગ થશે.

કાયદા મંત્રાલયના અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંધનામામાં કહ્યું હતું કે આજીવન પ્રતિબંધ મૂકવાનું સંવૈધાનિક નથી. ૧૯૫૧માં સંશોધિત થયેલા બંધારણીય અધિકારનો હવાલો આપીને કેન્દ્ર સરકારે ગુનેગાર રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાની વાતનો વિરોધ નોંધાવ્યો હતો.

(1:01 pm IST)