Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

દરેક ભારતીયોને ક્યાં સુધીમાં કોરોના વૅક્સીન અપાશે ? : સર્વદળીય બેઠક પહેલા રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ

ડાપ્રધાન મોદી સંસદના બન્ને ગૃહોના વિવિધ નેતાઓ સાથે વાતચીત કરશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કોરોના મહામારીથી પેદા થયેલી સ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે સર્વદલીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી સંસદના બન્ને ગૃહોના વિવિધ નેતાઓ સાથે વાતચીત કરશે. સંસદના બન્ને ગૃહોમાં વિવિધ પાર્ટીઓના નેતાઓને ઓનલાઈન બેઠક માટે આમંત્રણ આપ્યું છે.

ખુદ વડાપ્રધાન મોદી આ બેઠકની આગેવાની કરશે. જ્યારે આ બેઠક પહેલા કોંગ્રેસ નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ  ટ્વીટ કરીને પ્રશ્ન પૂછ્યો છે.રાહુલ ગાંધીએ કોરોના વૅક્સીન મુદ્દે સરકાર પ્રત્યે આશા વ્યક્ત કરી છે કે, આ બેઠકમાં કહેવામાં આવશે કે ક્યાં સુધી લોકોને ફ્રી વૅક્સીન મળશે

. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે,અમને આશા છે કે, આજની સર્વદલીય બેઠકમાં વડાપ્રધાન સ્પષ્ટ કરશે કે, દરેક ભારતીયોને ક્યાં સુધીમાં કોરોના વૅક્સીન આપવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી શરૂ થયા બાદ બીજી વખત સરકાર કોરોના વાઈરસથી ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વદલીય બેઠક બોલાવી છે. વાઈરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન 20 એપ્રિલે પ્રથમ વખત સર્વદલીય બેઠક બોલાવી હતી.

આજની બેઠકમાં સાંસદોને મહામારીનો સામનો કરવા માટે ઉઠાવવામાં આવેલા વિવિધ પગલા વિશે જણાવવાની સંભાવના છે. વૅક્સીનના ડેવલોપમેન્ટ અને સપ્લાયના વિષય પર પણ ચર્ચા થઈ શકે છે.

(11:24 am IST)