Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

વાવાઝોડુ 'બુરેવી' તામિલનાડુના દરિયાકિનારે ત્રાટકયું

૨૪ કલાક દરિયો તોફાની બનશેઃ તામિલનાડુના અસરગ્રસ્ત વિસ્તારોમાં રજા જાહેરઃ તામિલનાડુ અને કેરળમાં ધોધમાર વરસાદ ચાલુ, ૮૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાઈ રહ્યા છે, દરિયામાં ઉંચા- ઉંચા મોજા ઉછળી રહ્યા છેઃ વાવાઝોડુ નબળુ પડી કાલે અરબી સુમદ્રમાં પહોંચશે

નવી દિલ્હીઃ વેધરની ખાનગી સંસ્થા 'સ્કયમેટ'એ જણાવ્યું છે કે વાવાઝોડુ 'બુરેવી' તામિલનાડુના દરિયાકિનારે આજે સવારે ત્રાટકયું છે. દરિયો તોફાની બન્યો છે. તામિલનાડુ અને કેરળમાં ધોધમાર વરસાદ ચાલુ છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ૬ કલાક સુધી તામિલનાડુમાં વરસાદનું જોર રહેશે. ત્યારબાદ અસર ઓછી થઈ જશે. જો કે કેરળમાં વરસાદ ચાલુ રહેશે. હાલમાં તામિલનાડુના દરિયાકિનારાનો વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. રાજય સરકાર દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે.

વાવાઝોડુ 'બુરેવી' તામિલનાડુના દરિયાકિનારે ત્રાટકયું છે. આ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ છે. જો કે વાવાઝોડાએ નોર્મલ વાવાઝોડા તરીકે દસ્તક દીધી હતી. ૮૦ થી ૯૦ કિ.મી. ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. આ વાવાઝોડુ નબળુ પડી ડીપ્રેશનના રૂપમાં પરીવર્તીત થઈ આવતીકાલે તા.૫ ડિસેમ્બરના સવારે અરબીસમુદ્રમાં પહોંચી જશે.

આગામી ૬ થી ૭ કલાક બાદ તામિલનાડુમાં વરસાદની એકટીવીટી ઓછી થઈ જશે. પરંતુ કેરળમાં વરસાદનું જોર જોવા મળશે. ૨૪ કલાક દરિયો તોફાની જોવા મળશે. જોરદાર પવન ફૂંકાવાની સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળશે.

કેરળમાં બુરેવી વાવાઝોડાની દહેશતને પગલે રાજયમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડાને પગલે પ્રશાસને બે હજારથી વધુ રહાત શિબિર શરૂ કરી દેવામાં આવે છે. તો પાંચ ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે.

બુરેવી વાવાઝોડાની દહેશતને પગલે તામિલનાડુમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી નરેંદ્રભાઈ મોદીએ પણ મુખ્યમંત્રી સાથે વાત કરીને તમામ જરૂરી મદદ માટેનું આશ્વાસન આપ્યું છે. તો તિરુવનંતપૂરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, કોટ્ટાયમ, અલપ્પુઝામાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે, ચક્રવાત માટે બહાર પાડવામાં આવેલ હાઈ એલર્ટને ધ્યાનમાં રાખતા સશસ્ત્ર દળના પ્રતિનિધિઓ, તટરક્ષક, એનડીઆરએફ, જુદા જુદા વિભાગના પ્રમુખો, ડીજીપી અને મુખ્ય સચિવની સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને રણનીતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.

કેરળમાં  રાજય સરકારે પાંચ જિલ્લામાં આજે શુક્રવારે જાહેર રજાની જાહેરાત કરી છે.

હવામાન વિભાગે ચક્રવાત 'બુરાવી'ને લઈને હાઈએલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેળરમાં એનડીઆરએફની આઠ ટીમો તૈનાત કરવામાં આવી છે. એરફોર્સ અને નેવી ટીમો પણ એલર્ટ મોડ પર છે. ૧૭૫ પરિવારોના ૬૯૭થી વધુ લોકોને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે. જયારે ૨૪૮૯ અન્ય કેમ્પ બનાવવામાં આવ્યા છે.

(11:16 am IST)