Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

અમેરિકામાં કોરોનાથી એક જ દિવસમાં ૩૧૫૭નાં મૃત્યુ : એક લાખ કેસ

અમેરિકાની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે

 ન્યૂયોર્ક, તા.૪ :  અમેરિકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૩૧૫૭ લોકોનાં મોત થયા છે અને નવા એક લાખ કેસ ઉમેરાયા છે. અગાઉ ૧૫મી એપ્રિલે એક જ દિવસમાં સૌથી વધુ ૨૬૦૩ દર્દીઓનાં મોત થયા હતા. એક જ દિવસમાં એક લાખથી પણ વધુ કેસ નોંધાતા અમેરિકાની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી.

 અમેરિકામાં કોરોનાનો હાહાકાર યથાવત રહ્યો હતો. એક જ દિવસમાં ૧૦૦૨૨૬ કેસ નોંધાતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. ઠંડક વધવાની સાથે કોરોના હજુ પણ વધશે એવી આશંકા હેલૃથ એકસપર્ટ્સે વ્યકત કરી હતી.

 એક જ દિવસમાં ૩૧૫૭ લોકોએ કોરોનાના કારણે દમ તોડી દીધો હતો. અમેરિકામાં કોરોનાના કારણે એક જ દિવસમાં થયેલા આ સૌથી વધુ મૃત્યુ છે. અગાઉ ૧૫મી એપ્રિલે એક જ દિવસમાં સૌથી વધુ ૨૬૦૩ દર્દીઓના મોત થયા હતા. અમેરિકામાં અત્યાર સુધીમાં ૨.૭૩ લાખ લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે અને કુલ કેસની સંખ્યા ૧.૩૯ કરોડે પહોંચી ગઈ છે.

 જહોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે મૃત્યુ આંકમાં ૨૦ ટકાનો ચિંતાજનક વધારો થયો હતો. છેલ્લાં એક સપ્તાહમાં જ અમેરિકામાં લગભગ ૧૨દ્મક ૧૩ હજાર લોકોનાં મોત થઈ ચૂકયા છે. અમેરિકાના ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરના વડા રોબર્ટ રેડફિલ્ડે જણાવ્યું હતું કે ડિસેમ્બર-જાન્યુઆરી અને ફેબુ્રઆરી - એમ ત્રણમાસ ખૂબ જ કટોકટીભર્યા રહે તેવી શકયતા છે.

 આ મહિનાઓમાં કોરોના સંક્રમણ વધે એવી ચેતવણી તેમણે આપી હતી. રોબર્ટ રેડફિલ્ડે ઉમેર્યું હતું : આ સમયગાળો અમેરિકાના પબ્લિક હેલ્થના ઈતિહાસમાં સૌથી ખરાબ અને કટોકટીભર્યો રહેશે. આ ત્રણ મહિના દરમિયાન અમેરિકામાં દરરોજ કોરોનાના કેસ ભયજનક ઊંચાઈએ પહોંચી જાય એવી શકયતા નકારી શકાતી નથી.

(10:34 am IST)