Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કોરોના વેકસીનનું ટૂંક સમયમાં રાજકોટમાં આગમન

પ્રથમ તબક્કે સરકારી - ખાનગી આરોગ્ય સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ : બીજા તબક્કામાં પ૦ વર્ષથી વધુનાં વ્યકિતઓને ડોઝ આપવા માટે બાયોડેટા તૈયાર થઇ રહ્યો છે

રાજકોટ તા. ૪ : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની વેકસીનની શોધ બ્રિટન, અમેરિકા, રશિયા અને ભારતમાં થઇ ગયાનું અને તેની ત્રીજા તબક્કાની ટ્રાયલ બાદ કેટલાક દેશોમાં વેકસીન આપવાનું શરૂ થનાર છે ત્યારે ભારતમાં પણ હવે આગામી બે-ત્રણ મહિનામાં કોરોના વેકસીન આપવાનું શરૂ થનાર છે. ગુજરાતમાં કોરોના અત્યંત સંવેદનશીલ શહેરો જેવા કે અમદાવાદ - રાજકોટ - સુરત વગેરેમાં કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. અમદાવાદમાં હાલ દરરોજ ૩૦ જેટલા 'વેકસીન વોરિયર્સ'ને રસી આપવામાં આવી રહી છે અને ધીમે-ધીમે દરરોજ ૧૦૦ વ્યકિતને રસીકરણ થાય તે પ્રકારની તૈયારી અમદાવાદના તંત્રવાહકો કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ આગામી ટુંક સમયમાં એટલે કે જાન્યુઆરી - ફેબ્રુઆરી આસપાસ કોરોના વેકસીનનું આગમન થવાના એંધાણ છે જેથી મ.ન.પા. દ્વારા આ રસીકરણ માટે ફુલ પ્રુફ આયોજનની તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે.

આ અંગે સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં રાજકોટ મ.ન.પા.ના આરોગ્ય અધિકારીને સૂચના અપાયેલ કે આગામી બે-ત્રણ મહિનામાં કોરોના વેકસીન આપવાનો કાર્યક્રમ શરૂ થનાર છે તેનું આયોજન કરવા માટે રાજકોટમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન વોરિયર્સ ગણાતા મ.ન.પા.નાં આરોગ્ય કર્મચારીઓ અને ખાનગી - સરકારી હોસ્પિટલનો આરોગ્ય સ્ટાફ, મ.ન.પા. સ્ટાફને રસીકરણ માટે તથા બીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુની વયના વડીલોને રસીકરણ માટે તમામના નામ - સરનામા સહિતનો ડેટાબેઝ તૈયાર કરવો. સરકારની આ સૂચના અન્વયે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ૪૬૫૫ સરકારી અને ૪૫૧૯ ખાનગી આરોગ્ય કર્મચારી મળી ૮ જેટલા ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા તૈયાર થઇ ગયો છે. હવે મ.ન.પા.ના સ્ટાફનો ડેટાબેઝ તૈયાર થઇ રહ્યો છે.

સર્વે માટે ૧૦૦૦ કર્મીઓની ફોજ

ત્યારબાદ બીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુની વયના તમામ નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવનાર છે. આ માટે હાલમાં કોરોના સર્વેલન્સ માટે જે ૧૦૦૦ આરોગ્ય કર્મચારીઓની ટીમ છે. તેઓ પાસે જ ૫૦ વર્ષથી વધુની વયના નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવશે. ઉપરાંત જરૂર પડયે મતદાર યાદીનો સહારો પણ લેવાશે. જેથી ઝડપી અને સરળતાથી યાદી તૈયાર થઇ શકે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય બનાવટની ત્રણ ટ્રાયલ થઇ ચુકેલી, કેડીલા, શીરમ ઇન્સ્ટીટયૂટ અને બાયોટેક વગેરે સંસ્થાઓ દ્વારા બનાવાયેલી વેકસીન આગામી જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં આવી જવાની શકયતાઓ મજબૂત છે તેથી જ સરકાર આ પ્રકારનું ફુલ પ્રુફ આયોજન કરાવી રહી છે.

(2:46 pm IST)