Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

એકલા મહિલાને રાત્રે પોલીસ જશે ઘેર મુકવા : નાગપુર પોલીસે ફ્રી રાઇડ સ્કીમનો કર્યો પ્રારંભ

રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી પોલીસ ફ્રીમાં પીકઅપ અને ડ્રોપની સુવિધા આપશે.

નાગપુર : દેશમાં બળાત્કારોની વધી રહેલી જઘન્ય ઘટનાઓની વચ્ચે નાગપુર પોલીસે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નાગપુર પોલીસે  ફ્રી રાઇડ સ્કીમનો પ્રારંભ કર્યો છે. આ સ્કીમનો લાભ કોઈ પણ મહિલા લઈ શકે છે. જે મહિલાઓ રાત્રે એકલી હોય અને જરૂરિયાતમંદ હોય તેમને રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી પોલીસ ફ્રીમાં પીકઅપ અને ડ્રોપની સુવિધા આપશે.

  નાગપુર સિટી પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું, 'અમે મહિલાઓની સુરક્ષા માટે તેમને સુરક્ષિત રીતે ઘરે મૂકવાની સુવિધા આપી રહ્યા છીએ. કોઈ પણ મહિલા જે એકલી હોય અથવા રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા વચ્ચે ફસાયેલી હોય અને ઘરે જવાનું કોઈ સાધન ન હોય તે અમને સંપર્ક કરી શકે છે અમે તેમને ઘરે પહોંચાડીશું.

    પોલીસે મહિલાઓ માટે ફ્રી રાઇડ માટે નંબર પણ જાહેર કર્યો છે આ નંબર 100, 1091 અને 07122561103 છે. આ નંબર પર કૉલ કરી અને મહિલા ઘરે જવા માટે પોલીસની મદદ માંગી શકે છે. નાગપુર પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે મહિલાઓ કૉલ કરશે તો કંટ્રોલ રૂમમાંથી મહિલાની નજીક પોલીસનનું જે વાહન જેવું કે પીસીઆર વેન અથવા એસએચઓ વાહન હશે તે તેમને ઘરે પહોંચાડશે.

(10:25 pm IST)