Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

હૈદરાબાદ ગેંગરેપ : ખાસ કોર્ટની રચના કરવા નિર્ણય

ઝડપથી સુનાવણી કરી આરોપીઓને સજા કરાશે : ઝડપાયેલ ચારેય આરોપી હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં

હૈદરાબાદા, તા. ૪ : હૈદરાબાદમાં મહિલા તબીબ સાથે બળાત્કાર અને ત્યારબાદ તેની ઘાતકી હત્યાના મામલામાં સુનાવણી કરવા મહેબુબનગરમાં કોર્ટની ટૂંક સમયમાં જ રચના કરવામાં આવનાર છે. મહેબુબનગર જિલ્લા અદાલતમાં ટૂંકમાં જ એક ખાસ કોર્ટની રચના કરાશે. ગેંગરેપના આ જધન્ય મામલામાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ તમામ ચારેય આરોપી હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે મામલામાં ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરીને ઝડપથી તપાસ કરવાનો આદેશ કરી દીધો છે. મુખ્યમંત્રીનું કહેવું છે કે, સમગ્ર મામલાની તપાસ તેજી સાથે કરવામાં આવે તે જરૂરી છે. દોષિતોને કઠોર સજા કરવાની જરૂર છે. મહિલા તબીબની સાથે એ વખતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જ્યારે તે પોતાની સ્કુટીથી પરત ફરી રહી હતી. આરોપીઓએ તેની સ્કુટીની પાસે ન જોઇને ટાયરમાં પંચર કરી દીધું હતું. ત્યારબાદ મદદ કરવાના બહાને તેને ગુપ્ત સ્થળે લઇ ગયા હતા અને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મોડેથી તેનું મોત થઇ ગયું હતું.

                 ચારેય આરોપીઓએ પેટ્રોલ છાંટીને તેના મૃતદેહને સળગાવી દીધો હતો. આ ઘટનાથી સ્થાનિક પોલીસની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ ઘટના બાદ પીડિત પરિવાર સાથે વાતચીત કરી છે. પરિવારના કહેવા મુજબ પોલીસની ભૂમિકા નેગેટિવ રહી છે. કારણ કે, પોલીસે તેમની વાત સાંભળી નથી. પોલીસનું કહેવું છે કે, પીડિતાને ભાગી છુટવાની જરૂર હતી. પોલીસ ઘટનાસ્થળના સરહદી વિવાદમાં ફસાયેલી હતી જેથી આ દુર્ઘટના બની હતી. તબીબોની સાથે જઘન્ય ઘટનાથી દેશમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું છે. વિવિધ જગ્યાઓએ પ્રદર્શન થઇ રહ્યા છે. આરોપીઓને ફાંસી આપવા સુધીની માંગ થઇ રહી છે.

(7:53 pm IST)