Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

બોન્ડ માટે એક્સચેંજ ટ્રેડેડ ફંડને મંજુરી : રિટેલ ભાગીદારી વધશે

દેશમાં પ્રથમ કોર્પોરેટ બોન્ડ ઇટીએફની શરૂઆત કરાશે : નાણામંત્રી નિર્મલાસીતારામન : પીએસયુ અને સરકારી સંસ્થાઓને વધારાના પૈસા ઉપલબ્ધ કરાવશે : ભારત બોન્ડ ક્લોઝ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડની જેમ ફિક્સ્ડ મેચ્યોરિટીવાળા : નાણામંત્રી

નવી દિલ્હી, તા. ૪  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે દેશના પ્રથમ બોન્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)ને મંજુરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે માહિતી આપવામાં આવી હતી કે, કેન્દ્રીય કેબિનેટે ભારત બોન્ડ ઇટીએફને મંજુરી આપી દીધી છે. આનાથી બોન્ડ માર્કેટમાં રિટેલ ભાગીદારી વધશે. આ બોન્ડમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ અને વધુને વધુ ૧૦ વર્ષ માટે રોકાણ થઇ શકશે. રોકાણકારોને સરકાર તરફથી પૂર્ણ ગેરંટી આપવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અન્ય કેટલાક નિર્ણયોને પણ મંજુરી આપવામાં આવી હતી. આ બોન્ડને લઇને રાહત મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભારત બોન્ડને એડલવાઇઝ એસેટ મેનેજમેન્ટ કંપની મેનેજ કરશે. આ બોન્ડને લઇને ભારત સરકાર અને અનેક સંબંધિતો વચ્ચે બે વર્ષથી વાતચીત ચાલી રહી હતી. ભારત બોન્ડને મંજુરીની જાહેરાત કરતી વેળા નાણામંત્રીએ કહ્યું હતું કે, આ પ્રથમ કોર્પોરેટ બોન્ડ ઇટીએફ હશે જે પીએસયુ અને સરકારી સંસ્થાઓને વધારાના પૈસા ઉપલબ્ધ કરાવશે. ઇક્વિટી માટે એક્સચેંજ ટ્રેડેડ ફંડ બાદ કેન્દ્રીય કેબિનેટે બોન્ડ માટે એક્સચેંજ ટ્રેડેડ ફંડના લોંચની મંજુરી આપી દીધી છે.

                       આ ફંડ સરકારી કંપનીઓ અને અન્ય સરકારી સંસ્થાઓ માટે વધારાના નાણાં ઉપલબ્ધ કરાવશે. સીતારામને કહ્યું હતું કે, ભારત બોન્ડ એક્સચેંજ ટ્રેડ ફંડ દેશમાં પ્રથમ કોર્પોરેટ બોન્ડ ઇટીએફ તરીકે રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઇટીએફ સરકારી કંપનીઓ અથવા તો કોઇપણ સરકારી સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવતા બોન્ડના બાસ્કેટરુપે રહેશે. આ બોન્ડ એક્સચેંજ ઓફર કારોબાર કરી શકાય તેવા રહેશે. યુનિટનું કદ ૧૦૦૦ રૂપિયાનું રહેશે. નાના રોકાણકારોને રોકાણ કરવાની તક ાપવામાં આવશે. દરેક ઇટીએફ ફિક્સ્ડ મેચ્યોરિટી ડેટ ધરાવતી રહેશે તેમાં જુદી જુદી બાબતોનો ઉલ્લેખ રહેશે. ભારત બોન્ડ ક્લોઝ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડની જેમ જ ફિક્સ્ડ મેચ્યોરિટીવાળા રહેશે. આના યુનિટ શેરબજારમાં લિસ્ટેડ થશે. ઇટીએફમાં એએએમાં રેટેડ કંપનીઓ સામેલ કરવામાં આવશે. આ સ્કીમમાં બે વિકલ્પ રહેશે. એકવિકલ્પ ત્રણ વર્ષ માટે મેચ્યોરિટી પિરિયડના રહેશે જ્યારે બીજા વિકલ્પ ૧૦ વર્ષ માટેના રહેશે. એટલે કે ૨૦૨૩માં મેચ્યોર્ડ થશે અને બીજા ૨૦૩૦માં મેચ્યોર્ડ થશે. આનાથી ગ્રોથ ઓપ્શન મળશે. ડિવિડંડ વિકલ્પ મળશે નહીં.

(7:43 pm IST)