Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

કેજરીવાલ સરકારનું એલાન

દિલ્હીવાસીઓને હવે મળશે ફ્રી વાઇફાઇ, ૧૫ જીબી ડેટા

નવી દિલ્હી,તા.૪: દિલ્હી વિધાનસભામાં ચૂંટણી પહેલા કેજરીવાલ સરકાર એક બાદ એક માસ્ટર સ્ટ્રોક મારી જનતાને રિઝવી રહી છે. જેના કારણે વિપક્ષો માટે કેજરીવાલ હવે મુસીબત સમાન બન્યા છે. કેજરીવાલના નિર્ણયો એવી રીતે આવી રહ્યાં છે કે કોઈ પણ જનતા આવી સરકાર ઈચ્છે જ. ત્યારે પાણી અને મેટ્રો બાદ હવે વાઈફાઈ ફ્રી કરી દેવામાં આવતા વિપક્ષો માટે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરો નામ માત્રનો બનીને રહી જશે તેવી શકયતાઓ સેવાય રહી છે.

આમ આદમી પાર્ટીની સૌથી મહત્વાકાંક્ષી યોજના એવી ફ્રી વાઈફાઈ કરવાની દ્યોષણા કરી દીધી છે. જેના પ્રથમ ચરણમાં દિલ્હીના ૩૦૦૦ બસ સ્ટેન્ડ પર વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે. સમગ્ર દિલ્હીમાં કુલ ૧૧,૦૦૦ હોટસ્પોટ લગાવવામાં આવશે. દરેક યુઝરને પ્રતિ મહિને ૧૫ જીબી ફ્રી ડેટા મળશે. જેની શરૂઆત ૧૬મી ડિસેમ્બરથી કરવામાં આવશે.

વાઈફાઈને લઈને કેબિનેટમાંથી પણ ટેન્ડરની પ્રક્રિયાને અપ્રૂવલ મળી ચૂકી છે. કેબિનેટની ૮ ઓગસ્ટ મળેલી બેઠકમાં ૪૦૦૦ બસ સ્ટોપ પર અને વિધાનસભામાં ૧૦૦ હોટ સ્પોટ લગાવવાને મંજૂરી મળી છે. હોટસ્પોટની ૫૦ મીટર રેન્જમાં જેટલા પણ લોકો હશે તે તમામ લોકોને આ સુવિધાનો પર્યાપ્ત લાભ મળશે. આ ફ્રી વાઈફાઈ યોજના માટે સરકાર ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી સમયે કેજરીવાલ સરકારે ફ્રી વાઈફાઈ આપવાનો વાયદો કર્યો હતો. હવે આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કેજરીવાલ સરકારે વાયદો પૂર્ણ કરવાના પ્રયત્નો તરફ કૂચ કરી છે.

(4:21 pm IST)