Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પાકિસ્તાન જતા પાણીને રાજસ્થાનમાં વાળવાનું કામ શરૂ

આ યોજના માટે ૧૯૭૬ કરોડની જોગવાઇઃ જળસંસાધન વિભાગે પંજાબ સરકારને મોકલ્યો પહેલો હપ્તો

જયપુર તા. ૪: પાકિસ્તાનમાં જઇ રહેલા પાણીમાંથી ૬ હજાર કયુઝેક પાણી રાજસ્થાનમાં લાવવા માટેનું કામ શરૂ થઇ ગયું છે. પંજાબમાં સરહિંદ ફીડરને સુધારવાનું કામ ચાલી રહ્યું છે જેના માટે ૯૭ કરોડ રૂપિયા ખર્ચાશે. રાજસ્થાન સરકારે આના માટે પોતાના ભાગે આવતા ૬૬.૪૭ કરોડ રૂપિયાના વધારાના બજેટની સ્વીકૃતિ આપી છે. રાજસ્થાનના જળ સંસાધન વિભાગે કામ જલ્દી શરૂ કરવાની જરૂરિયાત હોવાનું જણાવતા પંજાબ સરકારે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

અહિંયા સરહિંદ અને રાજસ્થાન ફીડર છે તેની ૧૯૭ કિ.મી. લંબાઇ માટે કામ થશે જેનો ખર્ચ ૧૯૭૬ કરોડ રૂપિયા છે. પહેલા સરહિંદ ફીડરને સુધારવામાં આવશે જેના માટે અલગ અલગ ર૦ ટેન્ડરો થઇ ચુકયા છે. તેમાં થનાર ખર્ચનો ૬૦ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા હિસ્સો રાજસ્થાન સરકાર ભોગવશે. બંને ફીડરો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાંથી પસાર થાય છે. આ કામ પુરૂ થયા પછી રાજસ્થાનને ૬ હજાર કયુઝેક વધારાનું પાણી મળવા લાગશે. આ કામમાં ૩ વર્ષ લાગશે.

ઇંદિરા ગાંધી નહેરૂ દ્વારા ૧૮પ૦૦ કયુઝેક પાણી રાજસ્થાન લાવી શકાય છે પણ ફીડરોની હાલત બરાબર ન હોવાના કારણે લગભગ ૧ર હજાર કયુઝેક પાણી જ આવી રહ્યું છે. આ બાબતે જળ સંસાધન વિભાગના અધિકારીઓએ થોડા દિવસ પહેલા પંજાબ સરકારના સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.

૬ હજાર કયુઝેક પાણી ઇંદિરા ગાંધી નહેરમાં લાવવા માટે તેની ક્ષમતા વધારવાની સાથે સાથે હાલના સ્ટ્રકચરને પણ સુધારવું જરૂરી છે. તેના વગર વધારાનું પાણી નથી લાવી શકાય તેમ આ કામ પર લગભગ ૩ર૦૦ કરોડ ખર્ચાશે. રાજસ્થાન જળ સંસાધન વિભાગે તેમાંથી ૧ હજાર કરોડ રૂપિયાના કામ માટે ટેન્ડરો બહાર પાડી દીધા છે.

(3:58 pm IST)