Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

લોકોની લાગણીને સમજીને હેલ્મેટના કાયદામાં હળવાશઃ વિજયભાઇ રૂપાણી

ફરજીયાત હેલ્મેટના કાયદાથી લોકોને નાની-મોટી મુશ્કેલી પડતી હતી જેના નીરાકરણ માટે કેબીનેટમાં નિર્ણય લેવાયોઃ સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા., ૪: રાજય સરકાર દ્વારા આજથી નગર પાલીકા અને મહાનગર પાલીકા વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાત નહિ  હોવાની જાહેરાત કરવામાંઆવી છે. આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠક બાદ  રાજયના વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ આ જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અકિલા ફેસબુક લાઇવમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજય સરકાર લોકોની લાગણીઓને વાચા આપે છે અને હેલ્મેટ અંગે પણ રાજય સરકારને અનેક રજુઆતો આવી હતી જેના અનુસંધાનેલોકોની લાગણીને  વાચા આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે  શહેરી વિસ્તારમાં લોકોને હેલ્મેટના કારણે  ખુબ જતકલીફ પડતી હતી. નાના મોટા શોપીંગમાં પણ વાહન ચાલકોને મુશ્કેલી નડતી હતી.  જેના કારણે સંવેદનશીલ રાજય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં સરકારની ઇચ્છા હતી કે હેલ્મેટ પહેરે તો અકસ્માતોના બનાવો ઓછા બને અને હેમરેજ સહીતની દુર્ઘટનામાં કોઇને લાડકવાયા ન ગુમાવવા પડે તેથી રાજય સરકાર દ્વારા હેલ્મેટ સહિતના કાયદાનો અમલ કરવા માટે કામગીરી કરવામાં આવી હતી તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

(3:56 pm IST)