Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

આ તો હિન્દુઓને ગુનાઓનું ઇનામ અને એક પ્રકારે બાબરી મસ્જિદ શહીદ કરવાનો નિર્દેશ છે : સમીક્ષા અરજીમાં મુસ્લિમ પક્ષકારે કહ્યું

સુપ્રીમકોર્ટ કેન્દ્ર અને રાજય સરકારોને બાબરી મસ્જિદ ફરી બનાવવાનો નિર્દેશ આપે ત્યારે સંપૂર્ણ ન્યાય થઇ શકે છે : રશીદ * જો ૧૯૯રમાં મસ્જિદ શહીદ કરાઇ ના હોત તો શું મંદિર બનાવવાનો કોર્ટનો વર્તમાન આદેશ લાગુ કરવા ઉપસ્થિત મસ્જિદને શહીદ કરવાની જરૂર પડી હોત ?

નવી દિલ્હી, તા. ૪ : રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીનના માલિકી હકના વિવાદ પર સુપ્રિમ કોર્ટના ચુકાદાના ત્રણ સપ્તાહ બાદ ઉત્તર પ્રદેશ જમીયત ઉલેમા-એ-હિન્દના મૌલાના સૈયદ અશરદ રશીદીએ સુપ્રિમકોર્ટના બારણ ખટખટાવ્યા છે.

કોર્ટને પોતાના ચુકાદાની સમીક્ષા કરવા કરવાની અરજી દાખલ કરી રશીદીએ કહ્યું કે સુપ્રિમકોર્ટનો ચુકાદો 'હિન્દુ પક્ષકારો' દ્વારા કરવામાં આવેલા ગુના માટે 'ઇનામ આપવા' જેવું છે. તેમણે અરજીમાં એવું પણ કહ્યું કે સંપૂર્ણ ન્યાય ત્યારે થઇ શકે છે. જયારે સુપ્રિમકોર્ટ કેન્દ્ર અને રાજય સરકારોને બાબરી મસ્જિદ ફરી બનાવવાનો નિર્દેશ આપે. એડવોકેટ એજાઝ મકબુલ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે કોર્ટનો આ ચૂકાદો ખરેખર કોર્ટ દ્વારા આપવામાં આવેલો એ પરમ આદેશ પૂરવાર થયો જેમાં બાબરી મસ્જિદ શહીદ કરવા અને એ જ જગ્યાએ રામ મંદિર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ આરોપના સમર્થનમાં એવી દલીલ કરવામાં આવી કે જો બાબરી મસ્જિદને ગેરકાનૂની રીતે ૧૯૯રની ૬ઠ્ઠી ડીસેમ્બરે શહીદ નહીં કરવામાં આવી હોત તો પ્રસ્તાવિત મંદિર માટે જગ્યા ખાલી કરી શકાય તેના માટે કોર્ટનો વર્તમાન આદેશ લાગુ કરવા ઉપસ્થિત મસ્જિદને શહીદ કરવાની જરૂર પડી હોત. અરજીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે મુસ્લિમ પક્ષકારોએ પાંચ એકર જમીન માટે કોઇ દરખાસ્ત કે વિનંતી કરી ન હતી. બીજીબાજુ, મૌલાના સૈયદ અર્શદ મદનીએ અવો દાવો કર્યો કે અયોધ્યા મામલા પર સુપ્રિમકોર્ટનો ચૂકાદો 'બહુમતીવાદ' અને 'ભીડ તંત્ર' ને ન્યાયસંગત ઠરાવે છે. સાથે જ જણાવ્યું કે આ મામલામાં બંધારણમાં આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કરીને સુપ્રિમકોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી છે ન કે તેનો હેતુ દેશમાં 'સાંપ્રદાયિક સોહર્દા'માં અવરોધો ઉભા કરવાનો છે. મૌલાના મદનીએ કહ્યું કે જો સુપ્રિમકોર્ટ અયોધ્યા કેસમાં આપવામાં આવેલા પોતાના ચુકાદાને યથાવત રાખે છે તો મુસ્લિમ સંગઠન તેને માનશે.

(12:53 pm IST)