Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

GSTની થશે સમીક્ષાઃ આવક વધારવા મૂકાશે ભાર

૧૮ મીએ બેઠકઃ રાજયો પાસે સુચનો મંગાવાયા

નવી દિલ્હી તા. ૪ :.. ગુડઝ એન્ડ સર્વિર્સિસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ૧૮ ડીસેમ્બરે મળનારી બેઠકમાં કરમાળખાની સર્વગ્રાહી સમીક્ષા કરે તેવી ધારણા છે. જીએસટીની આવક અંગે ચિંતા વધી  રહી છે. ત્યારે આ બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેના પર બધાની નજર છે. આ બેઠકમાં એકઝેમ્પ્ટેડ આઇટમ્સ, જીએસટી અને કમ્પેનસેશન રેટની સમીક્ષા તથા આવક વધારવાના પગલા પર વિચારણા કરવામાં આવશે.

જીએસટી કાઉન્સીલ સચિવાલયે આ તમામ મુદે રાજય સરકાર પાસેથી સૂચનો મગાવ્યા છે. કેટલાંક રાજયો પણ જીએસટી વળતરની ચુકવણી બાકી હોવાથી કેટલાંક રાજયો આ રકમ ઝડપથી છૂટી કરવા માંગણી કરી રહ્યા છે.

રાજયોના જીએસટી કમીશનર્સને ર૭ નવેમ્બરે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, 'હું તમને કોમ્પ્લાયન્સ અંગે તથા જીએસટીની આવક વધે તેમાં મદદરૂપ થાય તેવા સુચનો કે ઇનપુટ કે દરખાસ્ત રજૂ કરવા વિનંતી કરું છું' નિષ્ણાતોના મતે આનો અર્થ એ થયો કે સરકાર જીએસટી દર વધી પણ શકે છે.

જીએસટીની આવક ઘટી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વળતરની ચુકવણીમાં થઇ રહેલા વિલંબ અંગે રાજય સરકારોએ કરેલી ફરીયાદોની પૃષ્ઠભૂમિમાં આ હિલચાલ થઇ રહી છે. જો કે, સતત બે મહિના સુધી ઘટયા બાદ જીએસટી વસુલાત નવેમ્બર મહિનામાં છ ટકા વધીને રૂ. ૧,૦૩,૪૯ર કરોડ થઇ હતી. આ માટે તહેવારોની સીઝનમાં થયેલું વેચાણ જવાબદાર છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી જીએસટી વળતર પર સેસનું કલેકશન ચિંતાનું કારણ છે. રાજયો દ્વાર વળતરની માગણી વધી રહી છે અને વળતર સેસમાંથી તે ભરપાઇ કરવી અશકય છે. ૩૦ નવેમ્બરે નાણામંત્રી નિર્મલા સિતારામને ઇટી એવોડર્સ ફોર કોર્પોરેટ એકસલન્સ ખાતે જણાવ્યું હતું કે, 'જીએસટી દરનું સરળીકરણ વિચારાધીન છે. તેમણે જણાવ્યું હતું કે, અનેક દરનું સરળીકરણ, એક ઊંચા દરના સંદર્ભમાં અમે  તમામ રાજયો સાથે સાનુકુળ મંત્રણા કરી રહ્યા છીએ.' સુત્રોએ જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સીલ આવક વધારવા માટેનાં પગલાં લે તેવી સંભાવના છે.

(11:43 am IST)