Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રિઝર્વ બેંકે કરી સ્પષ્ટતા

જો બેન્ક દેવાળુ ફૂંકે તો એક લાખ રૂપિયા જ મળશે

ખાતામાં ગમે એટલા રૂપિયા જમા કરાવો, એક લાખ રૂપિયા જ ઇન્શ્યોર થાય છે

નવી દિલ્હી, તા.૪: એક RTI દ્વારા બેન્કમાં જમા આપની જમાપુંજીને લઇને મહત્વની જાણકારી મળી છે. જે મુજબ જો બેન્ક કોઇપણ રીતે દેવાળુ ફૂંકે છે તો તેના ગ્રાહકોના ખાતામાં જેટલી પણ પુંજી જમા હોય બેન્કના ખાતાધારકોને માત્ર એક લાખ રુપિયા જ પરત મળશે.  ભારતીય રિઝર્વ બેન્કની સહયોગી સંસ્થા ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશનએ એક RTIમાં આ માહિતી આપી હતી. ડીઆઇસીજીસી એકટ ૧૯૬૧ના સેકશન ૧૬(૧) મુજબ દેશમાં કાર્યરત કોઇપણ બેન્ક દેવાળુ ફૂંકે કે ડૂબી જાય તો તેના ગ્રાહકોને માત્ર એક લાખ રુપિયા જ મળશે. કારણ કે આ હેઠળ એક લાખ રુપિયાની રકમને ઇન્શ્યોર કરવામાં આવી છે. આ કવર બધા જ ખાતાઓને સમાન રીતે લાગુ કરવામાં આવે છે.  આરબીઆઇનો આ નિયમ બધી જ બેન્કો પર લાગુ પડે છે. જેમાં વિદેશી બેન્કો પણ સામેલ છે. આ બેન્કોને આરબીઆઇ તરફથી લાયસન્સ મળેલું હોય છે. જોકે અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતમાં કામ કરતી કોઇ પણ સરકારી બેન્ક દેવામાં ડૂબી નથી કે દેવાળુ ફૂંકયુ નથી. કોઇપણ બેન્કમાં કૌભાંડ થવા પર આરબીઆઇ અને કેન્દ્ર સરકાર તમામ સંભવ પ્રયત્ન કરે છે કે ખાતાધારકોને નુકસાન ન પહોંચે. સરકાર આ ઇન્શ્યોર એક લાખ રુપિયાને વધારીને પાંચ લાખ કરવાનું વિચારી રહી છે.

(11:40 am IST)