Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

હવે ત્રણ દિવસમાં મોબાઇલ નંબર પોર્ટ થશે, TRAIનો નવો નિયમ ૧૬ ડિસેમ્બરથી લાગુ

ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ મોબાઇલ નંબર પોર્ટેબિલિટીના નવા નિયમો જાહેર કર્યા

નવી દિલ્હી, તા.૪: હવે મોબાઇલ નંબર પોર્ટ કરવું સરળ થઈ જશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ મોબાઇલ નંબર પોર્ટેબિલિટીના નિયમો જાહેર કર્યા છે. હવે આ નિયમ મુજબ તમારો મોબાઈલ નંબર ૩ દિવસમાં જ પોર્ટ થઈ જશે. મોબાઇલ પોર્ટબિલિટીના નવા નિયમો ૧૬મી ડિસેમ્બરથી લાગુ પડશે.

આ નિયમ લાગુ થયા બાદ તમે નંબર બદલ્યા વગર એક ઓપરેટરમાંથી બીજા ઓપરેટરમાં નંબર પોર્ટ કરાવી શકશો. હાલમાં નંબર પોર્ટ કરવા માટે ૭ દિવસનો સમય લાગે છે હવે ૩ દિવસમાં નંબર પોર્ટ થઈ જશે.

મોબાઇલ પોર્ટેબિલિટી સર્વિસ યૂઝરને પોતાનો નંબર બદલ્યા વગર કંપની બદલવાની પરવાનગી આપે છે. જેના માટે યૂઝરનો એક પોર્ટિંગ કોડ જનરેટ થાય છે. આ યૂનિક કોડ જ તેમને નંબર બદલવા માટે મદદ કરે છે.

ટેલિકોમ ઓપરેટર્સને દરેક મોબાઇલ નંબરની પોર્ટેબિલિટીના ટ્રાન્ઝેકશન માટે અલગ અલગ એજન્સીઓને બીલ ચુકવવું પડે છે. ટ્રાઈ દ્વારા હવે આ પ્રક્રિયાની ૫.૭૪ રૂપિયા ફીસ નક્કી કરવામાં આવી છે. આ ફીસ બાદ હવે ટેલિકોમ ઓપરેટર્સને તમામ ટ્રાન્ઝેકશનમાં બચત થશે.

(11:38 am IST)