Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પીએનબી કૌભાંડમાં નવો ધડાકો

નિરવને બેંકે ખોટી રીતે આપ્યા'તા રપ૦૦૦ કરોડનાં LOU

ઓડિટ રીપોર્ટમાં સનસનીખેજ ખુલાસોઃ રીપોર્ટથી સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટાચાર બેન્કીંગ સીસ્ટમમાં કેટલી હદ સુધી ફેલાયેલો હતોઃ કઇ રીતે આંખ આડા કાન રાખી વર્ષોથી 'લાલીયાવાળી' ચાલતી હતી

નવી દિલ્હી તા. ૪ :.. હીરાના વેપારી નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેંકને અબજો રૂપિયાનો ચૂનો લગાવવાના બનાવને લગભગ ર વર્ષ થઇ ચૂકયા છે. આ કૌભાંડમાં બધા પાસાઓની તપાસ માટે બેંકે એક વિસ્તૃત ફોરેન્સીક ઓડીટ કરાવ્યું હતું. આ ઓડીટમાં જે તથ્યો સામે આવ્યા છે તેનાથી ખબર પડે છે કે ભ્રષ્ટાચાર કેટલી હદે બેંકોમાં ફેલાયેલો હતો અને કઇ રીતે ખોટી રીત રસમોનો ઉપયોગ કરીને વર્ષો સુધી ધ્યાનમાં આવ્યા વગર  ચાલતો રહ્યો.

આ કૌભાંડની ફરીયાદ સીબીઆઇને કર્યા પછી પંજાબ નેશનલ બેંકે ર૦૧૮ માં બેલ્જીયમના ઓડીટર બીડીઓને આ કેસના મુળીયા સુધી પહોંચવાની જવાબદારી સોંપી હતી. ઓડીટરે જૂન ર૦૧૮ સુધીમાં અપાયેલી માહિતીઓની તપાસ કરી અને જાણવા મળ્યું કે પીએનબી તરફથી કુલ ર૮૦૦૦ કરોડ રૂપિયાની કિંમતન ૧પ૬૧ લેટર ઓફ અંડર ટેકીંગ (એલઓયુ) નીરવ મોદી ગ્રુપને અપાયા હતાં. આમાંથી રપ૦૦૦ કરોડના ૧૩૮૧ એલઓયુ ગોટાળા દ્વારા અપાયા હોવાનું જાણવા મળ્યું હતું.તપાસમાં એમ પણ જણાયું કે જે ર૩ એક્ષપોર્ટરોના નામથી આ એલઓયુ અપાયા હતા તેમાંથી ર૧ પર નીરવ મોદીનું નિયંત્રણ હતું. ત્યાર પછી બેંકને ચુકવવા માટે ૬૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના ૧૯૩ એલઓયુનો દુરૂપયોગ કરાયો હતો. જણાવી દઇએ કે ઓડીટરે આ તપાસ  સાથે સંકળાયેલા પ વચગાળાના રિપોર્ટ અને એક ફાઇનલ રિપોર્ટ બેંકને સોંપ્યા છે. બેંકે ઓડીટરને જવાબદારી સોંપી હતી કે તે નીરવ મોદી અને તેની સાત કંપનીઓની તપાસ કરે.

બીડીઓના ૩ર૯ પાનાના આ ફોરેન્સીક રિપોર્ટને એક વ્હીસલ બ્લોઅરે ઇન્ટરનેશનલ કંસોર્ટીયમ ઓફ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલીસ્ટસ (આઇસીઅઇજે) ને સોંપ્યો હતો. નીરવ મોદીનું કૌભંાંડ કેટલું મોટું હતું તેનો અંદાજ મેળવવામાં બીડીઓનો ફોરેન્સીક રીપોર્ટ સીબીઆઇ અને ઇડી કરતા પણ આગળ નિકળે તેવું જણાય છે.બીડીઓની ટીમે નીરવ મોદી અને તેના પરિવારની બધી સંપતિઓની યાદી બનાવી છે. બીડીઓએ નીરવ મોદી અને તેના પરિવારની ભારતમાં રહેલી ર૦ એવી સંપતિઓનો ઉલ્લેખ કર્ર્યો છે જેનો ઉપયોગ કોઇપણ નાણાકીય લેવડ દેવડમાં સીકયોરીટી તરીકે ઉપયોગ નથી થયો. આ ઉપરાંત, ભાગેડુ નીરવ મોદીની પાસે ભારતમાં ૧૩૦૦ કરોડ રૂપિયાની કિંમતની ૧પ એવી સંપતિ છે જેનો ઉપયોગ સીકયોરીટી તરીકે કરાયો છે. આ ઉપરાંત વિદેશમાં પણ નીરવ મોદીની ૧૩ સ્થાવર મીલકત હોવાની જાણ થઇ છે.

(11:37 am IST)