Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સ્વયંની જીત કરતા ભાજપની હાર મહત્વની : વિપક્ષોનો દેશવ્યાપી એજન્ડા

મહારાષ્ટ્રમાં રાતોરાત સરકાર રચવાના ભાજપના પ્રયોગના પ્રત્યાઘાત રૂપે દેશની રાજનીતિમાં નવા સમીકરણનો ઉદયઃ વિરોધ પક્ષો અસ્તિત્વ પરનો ખતરો ટાળવા એક થવા લાગ્યા : ઝારખંડની ચૂંટણી પછી વધુ નવાજુનીની સંભાવના : ઉદ્યોગકારોનો 'ઉકળાટ' સૂચક

રાજકોટ, તા., ૪: મહારાષ્ટ્રમાં ભાજપ પાસે પુરતી બહુમતી ન હોવા છતા રાતના અંધકારમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી સુર્યોદય પહેલા દેવેન્દ્ર ફડણવીસની સરકાર રચી નાખવાના પ્રયોગ બાદ તેના પ્રત્યાઘાત રૂપે દેશની રાજનીતીમાં નવા સમીકરણોનો ઉદય થઇ રહયો છે. ભાજપના વિરોધ પક્ષો પોતાના અસ્તિત્વ પરનો સંભવિત ખતરો ટાળવા એક થવા લાગ્યા છે. ઝારખંડની ચુંટણી પછી દેશમાં રાજકીય નવાજુનીની સંભાવના સમીક્ષકો નિહાળી રહયા છે.જો ઝારખંડમાં ભાજપ પાસેથી સતા જતી રહે તો અંદરથીજ અવાજ ઉઠી શકે છે. બજાજ જેવા ઉદ્યોગપતિઓના સરકાર વિરૂધ્ધના ઉચ્ચારણો હાલના સંજોગોમાં સુચક ગણાય છે.વિપક્ષોએ હવે સ્વયં જીતવા કરતા ભાજપને હરાવવા માટેનો એજન્ડા સેટ કર્યો હોય તેવા અણસાર મળે છે.

મહારાષ્ટ્રમાં હાલ કોંગ્રેસ, શિવસેના અને એનસીપીની સરકાર બની છે. ત્રણેય વચ્ચે ગઠબંધન થવામાં  વિચારધારા સહિતના ઘણા મુદાઓ અડચણરૂપ હતા. કેન્દ્ર સરકારે અચાનક રાષ્ટ્રપતિ શાસન હટાવીને અજીત પવારના સહયોગથી મહારાષ્ટ્રમાં સરકાર રચી નાખી તેથી બાકીના ત્રણેય પક્ષો બધા મતભેદો ભુલી ઝડપથી એક થઇ ગયેલ. ભાજપની સતા પ્રેરીત આ પ્રકારની પધ્ધતીથી વિરોધ પક્ષોને પોતાનું ભવિષ્ય પડકારરૂપ લાગેલ. પોતે જીતે એના કરતા ભાજપ હારે તે મહત્વનું છે તેમ માનીને વિરોધ પક્ષો એક થવા લાગ્યા છે. વિપક્ષોના ભાજપ વિરોધી દેશવ્યાપી એજન્ડાથી દેશની રાજનીતીમાં આવનારા દિવસોમાં નવો વણાંક આવે તેવો નિર્દેશ આધારભુત વર્તુળો કરી રહયા છે. જયા જેવી જરૂરીયાત હોયતે પ્રમાણે જોડાણ કરવા માટે વિરોધ પક્ષોએ મન બનાવી લીધું છે. જો વિપક્ષો અત્યારની કલ્પના મુજબ ભવિષ્યમાં એક રહે તો આવતા દિવસોમાં ભાજપ માટે મોટો પડકાર ઉભો થઇ શકે છે.

(11:35 am IST)