Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રાષ્ટ્રહીત સાથે કરી સમજૂતી

મહાભિયોગ તપાસ રિપોર્ટમાં ટ્રમ્પ દોષિત જાહેર

ચૂંટણીમાં યુક્રેન પાસે મદદ માંગવાના મામલામાં દોષિત ઠેરવાયાઃ સાક્ષીઓને ધમકાવવાનો આરોપઃ બુધવારથી સુનાવણીઃ વ્હાઇટ હાઉસે રિપોર્ટને નકાર્યોઃ એક તરફી હોવાનો આરોપ

વોશીંગ્ટન તા. ૪ :.. ડેમોક્રેટિક પાર્ટીની બહુમતીવાળી અમેરિકન ગૃહની જયુડીશીયરી કમીટીએ આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂધ્ધ ચાલી રહેલ મહાભિયોગ તપાસનો પ્રાથમિક રિપોર્ટ જારી કર્યો છે. જેમાં ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવેલ છે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પે પોતાના વ્યકિતગત અને રાજકીય હેતુઓ પુરા કરવા માટે 'રાષ્ટ્રહિત' સાથે બાંધછોડ કરી અને પોતના પાવરનો દુરૂપયોગ કરતાં ર૦ર૦ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના પક્ષ માટે વિદેશી મદદ માંગી જો કે વ્હાઇટ હાઉસે આ રિપોર્ટને ફગાવી દીધો છે.

હાઉસ જયુ. કમીટીના રિપોર્ટ અનુસાર ટ્રમ્પે યુક્રેનના પૂર્વ ૈઉપરાષ્ટ્રપતિ જો બિડેન  અને તેમના પુત્ર સાથે જોડાયેલી કંપનીઓ વિરૂધ્ધ પોતાને ત્યાં તપાસ શરૂ કરવાના એલાન કરવાના પ્રસ્તાવ આપ્યા હતાં.

આવા પ્રસ્તાવોમાં ટ્રમ્પ બીજી વખત ચૂંટાય તે માટેના અભિયાનમાં આ મદદ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વ્હાઇટ હાઉસમાં બેઠક યોજવા અને સૈન્ય મદદ આપવાનું વચન આપ્યું હતું રપ જૂલાઇએ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે ફોન ઉપર વાતચીતની પણ પુષ્ટી થઇ છે. તેની પુષ્ટી ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફે કર્યાનું તપાસ રિપોર્ટ જણાવે છે.

૩૦૦ પાનાના રિપોર્ટમાં દાવો થયો છે કે અમેરિકાના ઇતીહાસમાં ટ્રમ્પને બાદ કરતાં કોઇપણ રાષ્ટ્રપતિ એ અકઝીકયુટીવ અધિકારીઓને સંસદ સમક્ષ ગવાહી ન દેવાનો  સીધો આદેશ નહોતો આપ્યો.

રિપોર્ટ મુજબ ટ્રમ્પે સંસદીય ગવાહો ને જાહેરમાં ધમકી આપી હતી જે સંગીન અપરાધ છે. રીપોર્ટમાં ટ્રમ્પ પર મહાભિયોગ તપાસને બાધિન કરવાનો પ્રયાસ થયો હોવાનો પણ આરોપ છે. રીપોર્ટમાં તપાસને આગળ પણ ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવી છે.

અત્રે એ નોંધનીય છે કે ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે ર૦ર૦ નો જંગ જીતવા માટે પોતાના હરીફની છબી તોડી પાડવા યુક્રેન પાસે ગેરકાનુની મદદ પણ માંગી હતી.

હાઉસની કમીટી આજે એ પર સુનાવણી કરશે કે શું તપાસમાં સામેલ કરાયેલ પુરાવા રાજદ્રોહ, લાંચ કે અને અન્ય અપરાધો અને ખરાબ આચરણના આધાર પર બંધારણીય રૂપથી મહાભિયોગ ચલાવવાના માપદંડોને પુરા પણ કરે છે.

(10:42 am IST)