Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

મહિલાઓ સાથેના અપરાધમાં માત્ર ર૪%ને જ સજા

દુષ્કર્મ જેવી ઘટના બને તો દેશ ઉકળી ઉઠે, સરકાર સંવેદના જાહેર કરે, સંસદમાં હંગામો થાય...પછી શું ? તપાસ ઢીલી પડી જાય, પેન્ડીંગ રહે કેસ, સજાનો દર ઘણો ઓછો હોવાથી નરાધમોને જલ્સા પડી જાયઃ NCRBનો રિપોર્ટઃ ર૦૧૭માં સજાનો દર ર૪.પ ટકાઃ ગુજરાતમાં સજાનો દર ૩.૧ તથા પ.બંગાળમાં ૩.ર રહ્યોઃ ર૦૧૭માં રેપના ૩રપ૯૯ કેસ નોંધાયા

નવી દિલ્હી તા. ૪ :.. દુષ્કર્મ જેવી જધન્ય ઘટનાઓ પર દર વખતે આખા દેશમાં દેકારો થાય છે. સરકાર સંવેદના પ્રગટ કરે છે. સંસદમાં શોરબકોર થાય છે, પણ સુસ્ત તપાસ પ્રક્રિયા, કેસનું લાંબુ ચાલવું અને સજા આપવાનો અત્યંત ઓછો દર ગુનેગારોની હિંમત વધારી રહી છે. એનસીઆરબીના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

એનસીઆરબીના રિપોર્ટ અનુસાર, ર૦૧૭ માં મહિલાઓ વિરૂધ્ધના ગુનાઓમાં સજાનો દર ર૪.પ ટકા રહ્યો હતો. દિલ્હીમં આ દર ૩પ% હતો. જયારે ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં આ બાબતે સૌથી ખરાબ પરિસ્થિતિ રહી હતી. ત્યાં સજાનો દર અનુક્રમે ૩.૧ અને ૩.ર ટકા હતો. રિપોર્ટ અનુસાર ર૦૧૭ ં બળાત્કારના ૩રપ૯૯ કેસ નોંધાયા હતા જેમાં બાળક-બાળકી પર બળાત્કારની સંખ્યા ૧૦રર૧ હતી. જો કે ર૦૧૩ ની સરખામણીમાં તે ઘણી ઓછી છે. ર૦૧૩ માં ૩૩૭૦૭ કેસ બળાત્કારના નોંધાયા હતાં.

જાણકારોનું કહેવું છે કે મહિલાઓ વિરૂધ્ધના ગુનાઓ રોકવા માટે કઠોર કાયદો જ પુરતો નથી. તેને અમલમાં લાવવા માટે તપાસ પ્રક્રિયામાં ઝડપ, સાબિતીઓ એકઠી કરવા માટે જરૂરી આધારભુત માળખું અને ન્યાય પ્રક્રિયાને મજબુત કરવાની પણ જરૂર છે. નિર્ભયા કેસ પછી કાયદો તો કડક બનાવાયો પણ મોટા ભાગના કેસમાં તપાસની ગતિ ધીમી રહેવાના કારણે યોગ્ય સમયમાં સજા ન આપી શકાઇ.

ફોરેન્સીક લેબની અછત તપાસ મોડું થવાનું એક મોટું કારણ છે. વન સ્ટોપ સેન્ટર બનાવાઇ રહ્યા છે પણ ત્યાં નિષ્ણાતોની અછત છે. સેંકડોની સંખ્યામાં પ્રસ્તાવ અટવાયેલા છે. દેશની ફકત ત્રણ ફોરેન્સીક લેબમાં ડીએનએ સેમ્પલની તપાસની સુવિધા છે. આ લેબ ચંદીગઢ, હૈદરાબાદ અને કલકતામાં છે. નવી ફોરેન્સીક લેબ તો બનાવાઇ રહી છે. પણ ત્યાં નિષ્ણાંતોની અછત છે. એક અધિકારીએ જણાવ્યું કે એક વર્ષમાં ફકત ૬૦૦ થી ૭૦૦ કેસની તપાસ જ આ લેબમાં થઇ શકે છે. ર૦૧૭ ના આંકડાઓ અનુસાર દેશના ફકત ઉતરના રાજયોમાં ૬૮૬૯ મહિલાઓ વિરૂધ્ધ યૌન શોષણના કેસ બહાર આવ્યા છે. જયારે લેબની અછતના કારણે પશ્ચિમી રાજયોમાં ૩૩૩૯ કેસ ટીંગાયેલા છે.

મહિલાઓ વિરૂધ્ધના કેસો ર૦૧પ ની સરખામણીમાં ર૦૧૬ માં ર.૯ ટકા વધ્યા હતાં. નવા રીપોર્ટ અનુસાર પતિ અથવા કોઇ સગા દ્વારા કરવામાં આવેલ ક્રુરતાની શ્રેણીમાં ૩૩.ર ટકાનો વધારો થયો છે.(પ.પ)

(11:44 am IST)