Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

મોદી સરકારની માઠી બેઠી છે

'રાજા બોલા રાત હૈ' રાહુલ બજાજ બાદ વધુ ૧ ઉદ્યોગપતિએ કર્યો સરકાર ઉપર પ્રહાર

નવી દિલ્હી, તા.૪: દેશની આર્થિક સ્થિતિ પર ઉદ્યોગપતિ રાહુલ બજાજ બાદ બાયોકોનના એમડી કિરણ મજૂમદાર શો એ સરકાર પર નિશાન સાંધ્યુ હતું. કિરણ મજૂમદાર શો એ કહ્યું હતું કે આશા છે કે સરકાર વપરાશ અને ગ્રોથને પાટા પર લાવવા માટે ભારતીય ઉદ્યોગ જગતનો સંપર્ક સાધશે. અત્યાર સુધી અમારા બધા સાથે અંતર બનાવી રાખવામાં આવ્યું છે અને સરકાર અર્થતંત્રને લઇ કોઇ આલોચના સાંભળવા માંગતી નથી. અર્થતંત્ર પર સરકારની આલોચના કરનારની લાઇનમાં હવે હર્ષ ગોયેનકાનું નામ પણ જોડાઇ ગયું છે.

આરપીજી ગ્રૂપના માલિક અને ઉદ્યોગપતિ હર્ષ ગોયેનકા એ મંગળવાર રાત્રે એક પ્રખ્યાત લઘુ કવિતા ટ્વીટ કરી. જો કે બાદમાં તેમણે પોતાની ટ્વીટ હટાવી દીધી જેનો સ્ક્રીન શોટ ઉપલબ્ધ છે અને સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યો છે. ગોરખ પાંડેની કવિતા ટ્વીટ કરતાં તેમણે લખ્યું કે સ્થિતિને જોતા હવે કટલીય પંકિતઓ યાદ આવે છે. એમ કરી ટ્વીટ કરી હતી.

જો કે આ ટ્વીટ બાદમાં હર્ષ ગોયેનકાએ હટાવી દીધી

હર્ષ ગોયેનકાની આ ટ્વીટને દેશની હાલની સ્થિતિ સાથે જોડી રહ્યા છે. જો કે તેમણે આ ટ્વીટ ઝડપથી ડિલીટ પણ કરી દીધી.

રાહુલ બજાજનું નિવેદન ચર્ચામાં રહ્યુ

આની પહેલાં એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રાહુલ બજાજની ગૃહમંત્રી અમિત શાહની સામે પોતાની વાત કહેવાને લઇ ચર્ચા થઇ હતી. મુંબઇમાં એક કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું હતું કે દેશમાં હાલ ખૌફનો માહોલ છે, લોકો સરકારની આલોચના કરવાથી ડરી રહ્યા છે, કારણ કે લોકોને વિશ્વાસ નથી કે તેમની આલોચનાને સરકારમાં વખાણાશે. ઉદ્યોગપતિ રાહુલ બજાજ જયારે પોતાની વાત કહી રહ્યા હતા ત્યારે તેમની બરાબર સામે દેશના ગૃહમંત્રી અમિત શાહ હતા.

ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરની તરફથી નાથુરામ ગોડસેને દેશભકત કહેવાના મામલો આ કાર્યક્રમમાં ઉઠ્યો હતો. રાહુલ બજાજે કહ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાને પહેલાં તો ટિકિટ અપાઇ, પછી જયારે તેઓ ચૂંટણી જીતીને આવ્યા તો તેમને ડિફેન્સ કમિટીમાં લીધા, આ માહોલ ચોક્કસ અમારા મનમાં છે પરંતુ આ અંગે કોઇ બોલશે નહીં.

જો કે હવે હર્ષ ગોયેનકાએ એક કવિતા દ્વારા પોતાની વાત રજૂ કરવાની કોશિષ કરી છે.(૨૩.૬)

 

(10:05 am IST)