Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

આજે નેવી-ડેની ઉજવણીઃ ૧૯૭૧મા ભારતીય નેવીએ પરાક્રમની સીમા પાર કરીને કરાંચી પોર્ટને સંપૂર્ણ નેસ્તનાબુદ કરી નાંખ્યુ‘તુ

4 ડિસેમ્બરના દિવસે દર વર્ષે નેવી ડેની ઉજવણી કરવામાં આવે છે. મોટાભાગના લોકોને એવું લાગે છે કે આ દિવસે ભારતીય નેવી અસ્તિત્વમાં આવી હશે જેથી તેને નેવી ડે તરીકે ઉજવાય છે, પરંતુ એવું નથી. હકીકતમાં આ દિવસે ભારતીય નેવીએ પરાક્રમની સીમા પાર કરી હતી. 1971માં આજના દિવસે કરાચી પોર્ટને સંપૂર્ણ પણે નેસ્તનાબૂદ કરી નાખ્યું હતું. જેના કારણે પાકિસ્તાની નેવીનું નામોનિશાન મટી ગયું હતું. આ પરાક્રમના કારણે જ પાકિસ્તાન 1971માં હારી ગયું હતું.

1971 પાકિસ્તાનના ઇતિહાસનું સૌથી દુર્ભાગ્યપૂર્ણ વર્ષ છે. આ એજ વર્ષ છે જ્યારે પાકિસ્તાના બે ટુકડા થયા હતા અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો. આ જ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના લગભગ 90000 સૈનિકોને બંધક બના્યા હતા. જે આત્મસમર્પણના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ છે.

આમ તો 1971ના યુદ્ધમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા જબરજસ્ત કામ કરવામાં આવ્યું હતું. પરંતુ નૌસેનાનું કામ ખૂબ જ ઉલ્લેખનીય છે. ભારતીય નૌ સેનાએ એકલા હાથે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના તમામ બંદરો અને તેના તરફ આવતા જતા રસ્તાને બંધ કરીને પાકિસ્તાનનું નાક દબાવી દીધું હતું. એક જ રાતમાં પાકિસ્તાની સેનાના ત્રણેય મોટા યુદ્ધજહાજોને જળ સમાધી આપી પાકિસ્તાનની નેવીને હતી ન હતી જેવી સ્થિતિમાં લાવી દીધી હતી.

ભારતીય નૌસેનાએ આ મિશનને ઓપરેશન ટ્રાઇડેન્ટ નામ આપ્યું હતું. ભારતીય સેનાની ફ્રિગેટ ક્લાસ મિસાઇલોથી સજ્જા યુદ્ધ જહાજોએ રાતોરાત કરાચી બંદર પર હુમલો કર્યો હતો. કરાચી પોર્ટની મહત્વતા જોતા તેને સંપૂર્ણ પણ નષ્ટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. અહીં જ પાકિસ્તાની નૌસેનાનું હેડ ક્વાર્ટર અને પાકિસ્તાનના ઓઇલ ડેપો પણ હતા.

દુનિયાના સૌથી સાહસિક નૌ સેના યુદ્ધ મિશનમાંથી એક આનું નેતૃત્વ એડમિરલ સરદારીલાલ મથરાદાસ નંદાએ કર્યું હતું. તો મિશનની યોજના ગુલાબ મોહનલાલ હીરાનંદાનીએ બનાવી હતી.

ભારતી નૌસેનાના આ મિશનમાં અનેક બાધાઓ હતી. એક તો ભારતીય નૌ સેના પાસે ખૂબ જ ઓછી રેન્જના રડાર હતા. તો બીજી તરફ જહાજોની ઈંધણ ક્ષમતા પણ ખૂબ જ ઓછી હતી. પરંતુ સાહસ અને ઉત્કૃષ્ટતાના પ્રદર્શન સાથે નૌસેનાએ કરાચી પોર્ટની સાવ નજીક પહોંચીને મિસાઇલ બોટોથી હુમલો કર્યો હતો.

ભારત માટે સૌથી મોટી સફળતા અને પાકિસ્તાન માટે સૌથી મોટી તબાહી તેની સબમરિન પીએનએસ ગાઝીનો નાશ હતો. પાકિસ્તાને અમેરિકા પાસેથી લીઝ પર આ સબમરીન લીધી હતી. તે સમયે સમગ્ર દક્ષિણ એશિયામાં કોઈ દેશ પાસે અમેરિકન બનાવટની આ સબરમરિનનો જવાબ નહોતો. ગાઝી એક જ એવી સબમરિન હતી જે કરાચીથી 1100 દરિયાઈ માઇલ દૂર બંગાળની ખાડીમાં કબ્જો જમાવી ઉભેલા ભારતીય વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત પર હુમલો કરી શકે. પરંતુ તેના શિકારને નિકળેલ ગાઝી ખુદ શિકાર થઈ ગઈ.

(4:45 pm IST)