Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

લોકસભા સાથે ૪ રાજ્યોની ચૂંટણી પણ યોજાશે!

સામાન્ય ચૂંટણી સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ સાથે યોજાઇ શકે તેવી સંભાવના છે

નવી દિલ્હી તા. ૪ : ચૂંટણી કમિશન આગામી વર્ષે લોકસભા ચૂંટણી સાથે આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી કરાવી શકે છે. ચારેય વિધાનસભાઓનો કાર્યકાળ મે અને જૂન ૨૦૧૯માં પૂરો થઈ રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે સામાન્ય ચૂંટણી સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ સાથે યોજાઈ શકે તેવી સંભાવના છે.

હાલમાં જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાને ભંગ કરવામાં આવ્યો. સૂત્રો મુજબ લોકસભા ચૂંટણી સાથે આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં વિધાસનભાની ચૂંટણી કરીને ચૂંટણી પંચ પહેલાની પરંપરા નિભાવશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ભંગ કર્યા બાદ છ મહિનાની અંદર ફરી ચૂંટણી કરવી જરૂરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, 'છેલ્લી સમય મર્યાદા મે મહિનામાં પૂર્ણ થઈ રહી છે. અમે લોકસભાની ચૂંટણી સાથે જમ્મુ-કાશ્મીર ચૂંટણી કરાવી શકીએ છીએ પરંતુ શકયતા એ પણ છે કે આ ચૂંટણી જલદી પણ થઈ શકે છે.'

સિક્કીમ વિધાનસભાનો કાર્યકાળ ૨૭ મે ૨૦૧૯ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે અને આંધ્ર પ્રદેશ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ ક્રમશ ૧૮ જૂન, ૧૧ જૂન અને ૧ જૂનના રોજ પૂર્ણ થવાનો છે. ચૂંટણી આયોગના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે જો મહારાષ્ટ્ર અને હરિણાણા વિધાનસભા ચૂંટણીને ચાર રાજયો અને લોકસભાની ચૂંટણી સાથે કરવામાં આવશે તો ૨૦૧૯માં અન્ય કોઈ ચૂંટણી થશે નહીં.(૨૧.૮)

 

(11:45 am IST)