Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

બુલંદશહેર હિંસામાં પોલીસનું આખી રાત સર્ચ ઓપરેશનઃ ૨ની ધરપકડ

ઉપદ્રવી ટોળાએ ઇન્સપેકટર સુબોધ કુમારની સરકારી રિવોલ્વર પણ લૂટી લીધી હતી, દાદરી કાંડના હતા તપાસ અધિકારી

નવી દિલ્હી, તા.૪: ઉત્તરપ્રદેશનાં મેરઠ મંડળના બુલંદશહેર જનપદમાં સોમવારે ઉપદ્રવી ટોળા દ્વારા આચરવામાંઆવેલી હિંસા દરમિયાન સ્યાના પોલીસ સ્ટેશનનાં ઇન્સપેકટરની હત્યા બાદ યુપી પોલીસ હરકતમાં આવી હતી. ગત્ત આખી રાત સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિવિધ સ્થળે પાડેલા દરોડા દરમિયાન પોલીસે ૨ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આ મુદ્દે ફરિયાદ પણ દાખલ કરી છે, જેમાં ૭થી૮ લોકોનાં નામ છે. મળતી માહિતી અનુસાર આ તમામ લોકોની ઓળખ થઇ ચુકી છે. તે ઉપરાંત અન્ય લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે.

બીજી તરફ ઇન્સપેકટર સુબોધનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે ઇન્સપેકટરનું મોત ગોળી લાગવાનાં કારણે થયું છે. બુલંદ શહેરનાં ડીએમ દ્વારા પણ તેની પૃષ્ટી કરવામાં આવી કે ઇન્સપેકટરનાં માથામાં ગોળી વાગી હતી. રિપોર્ટમાં તે વાત પણ સામે આવી કે ઉપદ્રવીએ શહીદ સુબોધ કુમારની સરકારી પિસ્તોલ પણ લુટીને લઇ ગયા હતા. જિલ્લામાં હાલ તણાવની પરિસ્થિતીને જોતા કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. બીજી તરફ સવારે પોલીસ લાઇનમાં શહીદ ઇન્સપેકટર સુબોધ કુમારને અંતિમ સલામી આપવામાં આવી હતી.આ દરમિયાન પ્રદેશનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રદ્ઘાંજલી બાદ શહીદ ઇન્સપેકટરનાં પાર્થિવ શરીરને એટા જિલ્લાનાં તેમનાં પૈતૃક તામ તરગવાં ખાતે લઇ જવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, શહીદ પોલીસ ઇન્સપેકટર દાદરીનાં બિસાહડા કાંડમાં તપાસ અધિકારી પણ રહી ચુકયા છે. તેઓ અખલાક હત્યા સમયે જારચા પોલીસ સ્ટેશનમાં ઇન્સપેકટર તરીકે ફરજંદ હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ સોમવારે થયેલી હિંસા અંગે દુખ વ્યકત કર્યું. આ ઘટનામાં શહીદ પોલીસ ઇન્સપેકટરનાં પરિવારને કુલ ૫૦ લાખનાં વળતર અને સરકારી નોકરીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ બે દિવસની અંદર તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ પણ આપ્યો છે.(૨૩.પ)

(11:45 am IST)