Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ગ્રાહકોના માથે રૂ. ૩૨૨૩ કરોડનો વાર્ષિક બોજો આવી શકે

સરકારે GUVNLને આપેલા નિર્દેશ મુજબ ત્રણ કંપનીઓના ટેરિફમાં વધારાને મંજૂરી મળે તો દર વધે

અમદાવાદ તા. ૪ : સ્વતંત્ર ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓના ટેરિફમાં વધારો કરવા ગુજરાત વીજ નિયમન પંચ(જર્ક)ની મંજૂરી લેવા રાજય સરકારે GUVNLને દિશાનિર્દેશો આપ્યા છે. ટાટા, અદાણી અને એસ્સાર આ ત્રણેય IPP-કંપનીઓના ટેરિફનો વધારો જો જર્ક દ્વારા મંજૂર કરી દેવામાં આવે તો ગુજરાતના વીજ ગ્રાહકોના માથે ડ્ડ૩૨૨૩ કરોડનો વાર્ષિક બોજો પડશે અને નવો વધારો ૧લી એપ્રિલ ૨૦૧૯થી અમલી બની શકે તેવો ઊર્જા ક્ષેત્રના નિષ્ણાંતોનો દાવો છે. નિષ્ણાંતો એવો આક્ષેપ પણ કરી રહ્યાં છે કે આ કંપનીઓના સંદર્ભે સુપ્રીમ કોર્ટે ૨૯મી ઓકટોબરના રોજ આદેશ કરી સેન્ટ્રલ ઇલેકિટ્રસિટી રેગ્યુલેટરી કમિશન–CERCને ૬૦ દિવસમાં નિર્ણય કરવા આદેશ કર્યો હતો. જો કે, રાજય સરકારે ટેરિફમાં વધારો કરવા GUVNLને જે રીતે તાકીદે નિર્દેશો આપ્યા છે તે સુપ્રીમના આદેશનું પણ ઉલ્લંઘન છે.

ટેરિફમાં વધારો કરવા માટેના દિશાનિર્દેશો ઉપરાંત આ ત્રણેય કંપનીઓ સાથેના પાવર પર્ચેઝ માટેના કરારમાં પણ ૧૦ વર્ષનો વધારો કરવાનો નિર્દેશ સરકાર દ્વારા GUVNLને કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ઊર્જા ક્ષેત્રના નિષ્ણાંત કે.કે. બજાજે જણાવ્યું હતું કે, 'રાજય સરકારે જે ભલામણ કરી છે તે મુજબ અદાણી-૧ અને અદાણી-૨ એમ બે કંપનીઓના ટેરિફમાં ક્રમશઃ પ્રતિ યુનીટ રૂ.૧.૦૫ અને ૫૧ પૈસાનો વધારો થઇ શકે. એવી જ રીતે ટાટા પાવરના ટેરિફમાં ૬૮ પૈસા અને એસ્સાર પાવરના ટેરિફમાં ૯૮ પૈસાનો વધારો શકય છે. જે મુજબ અદાણી પાવરની બંને કંપનીઓના ટેરિફ વધતાં ગ્રાહકો ઉપર વર્ષે રૂ. ૧૩૪૭.૬ કરોડનો જંગી વધારો ઝીંકાઇ શકે. જયારે કે ટાટાનું ટેરિફ વધે તો રૂ.૧૧૨૮ કરોડ અને એસ્સારનું ટેરિફ વધતાં ગ્રાહકો ઉપર રૂ. ૮૪૭.૨ કરોડનો બોજો પડી શકે તેમ છે. આમ દર મહિને રૂ. ૨૭૬.૯ કરોડ અને વર્ષે કુલ રૂ. ૩૩૨૨.૬ કરોડ જેટલો બોજો આવી શકે છે.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'ગુજરાતની વીજ કંપનીઓ વર્ષ ૨૦૧૯-૨૦થી લાગુ થનારા વીજળીના દરો માટે જર્ક સમક્ષ ટેરિફ પિટિશન કરવાની છે. જેથી હાલના સરકારે GUVNLને આપેલાં નિર્દેશો અને તક બંનેનો લાભ લઇ GUVNL ટેરિફ પિટિશન ફાઇલ કરવા માટે પણ એક મહિનાનો સમય માગી શકે છે. તેમ જોતાં વર્ષ ૨૦૧૯-૨૦ માટેની ટેરિફ પિટિશન્સ પરની સુનાવણી રસપ્રદ બની રહેશે. કેમ કે વિવિધ કન્ઝયુમર ગ્રુપ્સ અને વ્યકિતગત પાર્ટીઓ દ્વારા તેનો વિરોધ પણ કરાશે.લૃ નોંધનીય છે કે ૩૦મી નવેમ્બર સુધી દરેક કંપની જર્ક સમક્ષ પિટિશન કરી દેતી હોય છે.(૨૧.૫)

(10:03 am IST)