Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ડિજિટલ ટ્રાન્જેકશન ચાર્જને હટાવવા તૈયારી

ચૂંટણી પહેલા નાના વેપારીઓને રાહત આપી શકે છે સરકાર

નવી દિલ્હી તા. ૪ : કેન્દ્ર સરકાર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં નાના વેપારીઓને મોટી રાહત આપી શકે છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ ટ્રાન્જેકશન ચાર્જને ખતમ કરી શકે છે. આ તે ચાર્જ છે જે વેપારીઓને મંથલી ચૂકવવો પડે છે. સરેરાશ એક પીઓએસ (POS) મશીન પર ૬૦૦ થી ૧૨૦૦ રૂપિયાનો મહિને ચાર્જ લાગે છે. ઝી બિઝનેસને મળેલી એકસકલૂસિવ જાણકારી અનુસાર સરકારની યોજના એક ફંડ ક્રિએટ કરવાની છે. જેના દ્વારા બેંકોને ડિજિટલ ચાર્જની ચૂકવણી કરવી પડશે.

નોટબંધી વખતે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે સરકારે પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) મશીનોના ઉત્પાદનના સામાન પર ઉત્પાદ શુલ્ક હટાવી દીધો હતો. તે સમયે આ મશીનોની માંગ અચાનક વધી ગઇ હતી. નોટબંધી બાદ વેપારી તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. પીઓએસ મશીનોના ઉત્પાદનને ૧૨.૫ ટકા એકસાઇઝ ડ્યુટી અને ૪.૦ ટકા વિશેષ ચાર્જ (એસએડી)માંથી છૂટ આપવામાં આવી હતી. જોકે સરકારે આ છૂટ ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી આપી હતી.

નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં નોટબંધીના મુદ્દે હંગામા વચ્ચે પીઓએસ મશીનો પર ઉત્પાદન શુલ્કના દરમાં ફેરફાર સંબંધી એક ખરડો સદનમાં રજૂ કર્યો હતો. આ ખરડામાં પીઓએસ ઉપકરણોના ઉત્પાદનમાં ઉપયોગમાં થનાર બધા સામાનો પર કેન્દ્રીય એકસાઇઝ ડ્યુટી અને એસએડીમાં છૂટ આપવાની વાત કરી હતી.(૨૧.૪)

 

(10:02 am IST)