Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

‘‘ઝાંઝીબારની ઓટલા પરિષદ'': ભારતીય સંસ્‍કૃતિ અને રાજકારણથી પ્રભાવિત ઝાંઝીબારના હુરૂમઝી વિસ્‍તારમાં આવેલી કહવા બજારઃ દૂધ વગરની કાળી ચા, કોફી, લેમન ટી, તથા ઝીંઝરની લહેજત સાથે ગપ્‍પાષ્‍ટક ચલાવવાની તથા ગેઇમ્‍સની મોજ

ઝાંઝીબાર તા. 3: ભારતીય સંસ્કૃતિ અને રાજકારણથી પ્રભાવિત ઝાંઝીબારની હુરૂમઝી વિસ્તારમાં આવેલી કહવા બજારમાં આખી દુનિયાના, ખાસ કરીને સ્થાનિક રાજકારણની ખુલ્લા મને (ક્યારેક) ઉગ્ર ચર્ચા કરવાનો અડ્ડો છે. બજાર ઝાંઝીબારના અસ્તિત્વ જેટલી જૂની છે. બજારને આપણે ઓટલા પરિષદ પણ કહી શકીયે.

અહીંના લાકો દૂધ વગરની કાળી ચા, કોફી,  લેમન ટી અને ઝીઝર ટી પીવાના શોખીન છે. લતે લતે આવી ચાના થર્મોસ લઈને ફરતા ફેરિયાઓની એક માત્ર કેન્દ્રિત બજાર છે. કોઈ પણ પ્રકારની ચા 200 ટી સિલિંગ (રૂ. 7, અથવા 35 ટી સિલિંગ= રૂ. 1) વેચાય છે. ચા પીને તમે અહીં આખો દિવસ બેસીને ગપ્પાષ્ટક ચલાવી શકો છે.

સંવાદદાતાએ આજે હુરૂમઝી કહવા માર્કેટની મુલાકાત લઈને આખી દુનિયાના પ્રવાસી ગ્રાહકો અને માલિકો સાથે બેસીને ગપાષ્ટક ચલાવ્યુ હતું. અહીંના ગ્રાહકોને જો વાતચીતમાં રસ ના પડે તો અહીં આપણા કેરમ અને પ્લેઇંગ કાર્ડ જેવી રમત રમવાની પણ વ્યવસ્થા છે

ચારે તરફ દુકાનોથી ઘેરાયેલા હુરૂમઝી ચોકમાં સ્થાનિક ગ્રાહકો ગૃહ વપરાશની ચીજો ખરીદવા આવે ત્યારે બજાર માનવ મહેરામનથી ઉભરાઈ જતી હોય છે. સામાન્ય રીતે અહીંની બજારો સવારે 7.30 વાગ્યે ખુલીને બપોરે 3.30 વાગે બંધ થઈ જતી હોય છે.

પણ કહવા બજાર જ્યા સુધી ગ્રાહકો હોય ત્યાં સુધી અહર્નિશ ચાલતી હોય છે. અમે અમારી દાઉદી વ્હોરા, રીદા (કલરફુલ બુરખા) ડ્રેસ પહેરેલી મહિલાઓ સાથે બજારમાં પ્રવેશ કરતાજ કહવા પીતાં વિદેશી ગ્રાહકો આશ્ચર્યથી અમારી સમક્ષ જોઈને ફોટા પડાવવાની જીજીવિષા રોકી શક્યા હતા.

કહવા ચા વેંચતા સલીમ સઇદીએ કહ્યું કે આમતો બજાર એક રાજકીય પક્ષ કફ (સિવિલ યુનાઇટેડ ફ્રન્ટ)નો અડ્ડો છે, અમેરિકાની માફક અહીંની સરકાર દ્વિપક્ષીય સંસદીય પદ્ધતિથી ચાલે છે. રાજકારણમાં કફ વિરોધ પક્ષ છે અને સત્તાધારક પક્ષ સીસીએમ (ચામા ચામા પીન્દુઝી) છે. કફના કેટલાંક નીતિવિષયક નિર્ણયો ક્યારેક કહવા બજારમાં લેવાય છે. કફના પ્રમુખ માલિમ સેઈફ પણ પ્રસંગોપાત પોતાના સંગઠનને સંબોધવા અહીં આવતા હોય છે.

બજાસરમાં એક વિશાળ ટીવી પણ રાખવામાં આવ્યું છે. ગ્રાહકો માટે કેટલીક બૌદ્ધિક ગેમ પણ રાખવામાં આવી છે. જેથી વિદેશી અને સ્થાનિક નાગરિકો એક બીજાની સંસ્કૃતિનું આદાનપ્રદાન સાથે બેસી સરળતાથી કરી શકે.

તેવું શ્રી ઇબ્રાહીમ પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.

 

(11:05 pm IST)