Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ઉથલપાથલ વચ્ચે સેંસેક્સ ૩૬ પોઇન્ટ સુધરીને અંતે બંધ રહ્યો

નિફ્ટી છ પોઇન્ટ ઉછળીને ૧૦૧૨૭ની સપાટીએ : બેંચમાર્ક ઇન્ડેક્સ સુધારા સાથે બંધ :આરબીઆઈ પોલીસી સમીક્ષા ઉપર હવે તમામ કારોબારીઓની નજર કેન્દ્રિત

મુંબઈ, તા. ૩ : શેરબજારમાં આજે આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક યોજાય તે પહેલા સાવધાનીપૂર્વકનું વલણ જોવા મળ્યું હતું. સેંસેક્સ ૩૬ પોઇન્ટ સુધરીને ૩૨૮૬૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૬ પોઇન્ટ ઉછળીને ૧૦૧૨૭ની સપાટીએ રહ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો. આગામી બે દિવસ આરબીઆઈની બેઠક થનાર છે. રીઝર્વ બેંકની મોનેટરી પોલીસી કમિટીની (એમપીસી)ની બેઠક પાંચમી અને છઠ્ઠી ડિસેમ્બરના દિવસે યોજાનાર છે. નાણાંકીય વર્ષ ૧૭-૧૮ની પાંચમી દ્ધિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકને લઇને તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ વખતે સામાન્ય રીતે આરબીઆઇ વ્યાજદરને યથાવત રાખે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો થયા બાદ અને કોમોડિટીની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ફુગાવો વધવાના સંકેત દેખાઈ રહ્યા છે.  આરબીઆઈની પોલિસીને લઇને જાણકાર નિષ્ણાતોની ગણતરી થવા લાગી ગઈ છે. આરબીઆઈની પોલિસી સમીક્ષાને લઇને અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય મુજબ આ વખતે પોલિસી સમીક્ષામાં કોઇ મોટા ફેરફાર કરવામાં આવશે નહીં. આરબીઆઈના ગવર્નરના નેતૃત્વમાં આ બેઠક થનાર છે જેમાં પ્રથમ દિવસે ચર્ચા કરવામાં આવ્યા બાદ છઠ્ઠી તારીખે દ્વિમાસિક નાણાંકીય નીતિના પરિણામ જાહેર કરાશે. વર્તમાન નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બર મહિનામાં ભારતનો આર્થિક વિકાસ દર વધીને ૬.૩ ટકા થઇ ગયો છે જે એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકા રહ્યો હતો.શેરબજારમાં આજથી શરૃ થયેલા નવા કારોબારી સેશનમાં અનેક પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. આરબીઆઈની પોલિસી સમીક્ષા, ગુજરાત ચૂંટણી, વૈશ્વિક પરિબળો સહિતના પાસાઓને ધ્યાનમાં લઇને કારોબારીઓ આગળ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ભારતના અર્થતંત્રને આશાસ્પદરીતે રજૂ કરવામાં આવ્યા બાદ આનો લાભ ઉઠાવવા માટે કારોબારીઓ તૈયાર છે પરંતુ જુદા જુદા પરિબળો વચ્ચે હાલ જંગી રોકાણ કરવાની તૈયારી દેખાઈ રહી નથી. વધતી જતી નાણાંકીય ખાદ અને લિક્વિડીટીને લઇને ચિંતા રોકાણકારોને પ્રવર્તી રહી છે. શુક્રવારના દિવસે સેંસેક્સમાં ૩૧૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૨૮૩૩ રહી હતી જ્યારે નિફ્ટી ૧૦૦ પોઇન્ટ ઘટીને ૧૦૧૨૨ની નીચી સપાટીએ રહ્યો હતો.ગુજરાતમાં હાઈવોલ્ટેજ ચૂંટણીને લઇને પણ તમામની નજર કેન્દ્રિત થઇ છે. આગામી સપ્તાહમાં પ્રથમ તબક્કા માટે મતદાન યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અલબત્ત ચૂંટણીના પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવશે પરંતુ લાંબાગાળે રોકાણ કરતા પહેલા મૂડીરોકાણકારો સાવચેતીપુર્વકનું વલણ અપનાવે તેવી શક્યતા છે.

 

(8:08 pm IST)