Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ગુરૂકુળ ખરેખર માનવતાનું કાર્ય કરે છે હું તેનો સાક્ષી છુઃ નરેન્દ્રભાઇ મોદી

અમદાવાદમાં શ્રી જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પીટલનાં ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાનનું લાગણીભીનું ઉદ્બોધનઃ યોગ, આર્યુવેદ અને એલોપથીનાં સમન્વય યુકત આ હોસ્પીટલ દ્વારા વિશિષ્ટ સ્વસ્થ, સંસ્કાર યુકત પેઢીનું નિર્માણ થશેઃ શાસ્ત્રી માધવપ્રિયદાસજીનાં આશિર્વચન

અમદાવાદ તા.૪: શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) ખાતે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે તૈયાર થયેલ અત્યાધુનીક SGVP હોલીસ્ટીક હોસ્પીટલનું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની સાથે મોટી સંખ્યામાં દેશભરમાંથી પધારેલા સંતો, મહંતો અને યુ.કે., યુએસએ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દુબઇ વગેરેથી NRI અને દેશભરમાંથી ૨૦,૦૦૦ જેટલા હરિભકતો પધાર્યા હતા. હેલિકોપ્ટર દ્વારા પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું શા.માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ એલચીનો હાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ ઠાકોરજી આગળ દિપ પાગટ્ય કરી શ્રી જોગીસ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યુ હતું. ઉદઘાટને બાદ સભામાં પધારતા શ્રી નરેન્દ્રભાઇ મોદીને બાલકૃષ્ણદાસજી સ્વામીએ કમલનો હાર પહેરાવી અભિવાદન કરી સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ દેશ નેતા તો છે જ પણ ખરેખર રાષ્ટ્રભકત છે. ગુરૂકુલ સાથે પરિવાર ભાવનાથી પરમ પૂજ્ય જોગીસસ્વામીના પાર્થિવ દેહના દર્શન માટે પણ આવ્યા હતા. તેમણે હિંમત, આગવી સૂઝથી ભારતને વિશ્વકક્ષાએ મુકેલ છે તેનો અમને ગર્વ છે.

આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ ૧૦૦૮ પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે વિડીઓ કોન્ફરન્સથી જણાવ્યું હતુ કે આ એસજીવીપી ગુરૂકુલમાં શ્રી જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલનું ઉદઘાટન કરવા નરેન્દ્રભાઇ પધાર્યા તે સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક અને ગૌરવનો દિવસ છે. નરેન્દ્રભાઇ મોદી જે ભારતની કાયાપલટ કરી રહ્યા છે તે તેમના અથાગ પરિશ્રમ અડગ શ્રધ્ધા અને સંતોના આશીર્વાદનું પરિણામ છે.

શાસ્ત્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું કે વિશ્વમાં રાજપુરૂષો તો ઘણા છે પણ નરેન્દ્રભાઇની સંસ્કારિતા અને ધાર્મિકતા અમારા હૃદયને સ્પર્શી ગઇ છે. નરેન્દ્રભાઇની રાષ્ટ્રભકિત બે નમુન છે તેણે ભારતના નવજુવાનોમાં જે હિમાલય જેવો જુસ્સો પ્રગટાવ્યો છે એ અવર્ણનીય છે. નરેન્દ્રભાઇ માટે ચાવાળા શબ્દ પ્રસિદ્ધ છે પરંતુ એ જબરા ડોકટર પણ છે. વર્ષોથી અર્થતંત્રને એમણે જે ઇંજેકશન માર્યા છે તેથી કોઇને થોડુ દુઃખ થાય એ સહજ છે, તો પણ તેના આપેલા ડોઝ સહન કરવાની ધીરજ રાખવી પડે. સૌ પ્રથમવાર યોગ, આયુર્વેદ અને એલોપેથીના સમન્વયયુકત આ હોલિસ્ટિક હોસ્પિટલનું નિર્માણ થયુ છે. જેના દ્વારા અનેક રોગનિવારણથી માંડીને સંસ્કારયુકત અને નિરોગી નવી પેઢીનું નિર્માણ થાય તેવુ આયોજન છે.

આ હોસ્પિટલમાં આયુર્વેદ ક્ષેત્રે સંશોધન થશે. આયુર્વેદ અને એલોપથી એકબીજાના પુરક બનશે. આ હોસ્પિટલમાં સાધન-સંપન્ન લોકો માટે વ્યાજબી દર અને આર્થિક પછાત લોકોને નજીવા દરે કે નિઃશુલ્ક સારવાર અપાશે. હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા વિશિષ્ટ સ્વસ્થ, સંસ્કારયુકત નવી પેઢીનું નિર્માણ થશે.

આ પ્રસંગે નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ હતુ કે, પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી મને આમંત્રણ આપવા દિલ્હી પધાર્યા ત્યારે મેં તેને કહ્યુ કે, તમારે દિલ્હી આવવાની જરૂર નથી મને ફોનથી આમંત્રણ આપ્યુ હોત તો પણ હું તરત જ હા પાડી દેત, કારણ કે એસજીવીપી ગુરૂકુલ તો મારો પરિવાર છે અને પૂ.જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલનું જે ઉદ્દઘાટન થઇ રહેલ છે તેનો મને ગર્વ છે. પૂ.જોગી સ્વામીના આશીર્વાદથી હું આ પદે પહોંચી શકયો છું. ખરેખર ગુરૂકુલ માનવતાનું કાર્ય કરી રહેલ છે તેનો હું વરસોથી સાક્ષી છું. માનવતા તો આપણા રંગે રંગમાં ભરાયેલ છે. ભારત સરકારે દુનિયા તેમજ ારતમાં જે જે માનવકાર્ય કર્યા હતો તેના દ્રષ્ટાંતો સાથે વાત કરી હતી. આ પ્રસંગે ભારતભરમાંથી સંતો-મહંતોમાં, મહંત દિલીપદાસજી મહારાજ-જગન્નાથજી મંદિર, સ્વામી પરમાત્માનંદજી મહારાજ (મહામંત્રી, હિન્દુ ધર્મ આચાર્ય સભા), સ્વામી અધ્યાત્મનંદજી મહારાજ (અધ્યક્ષ શિવાનંદ આશ્રમ, અમદાવાદ), પૂ.નૌતમસ્વામી-વડતાલ, પૂ.અવિચલદાસજી મહારાજ-સારસા, દેવપ્રસાદજી મહારાજ, ભાગવત ઋષિજી, (ભાગવત વિદ્યાપીઠ-સોલા), પૂ.રામ સ્વામી (ગાંધીનગર), પૂ.લલિતકિશોરજી મહારાજ-નિમ્બાર્ક પીઠ-લીંબડી, પૂ.કનીરામ મહારાજ-દુધરેજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને અભુતપુર્વ મુખ્યમંત્રી તરીકે નવાજીને તેમને મા ભગવતીના આશીર્વાદ સ્વરૂપ સાડી અર્પણ થઇ હતી. આ ઉદ્દઘાટન પ્રસંગે રર૦૦૦થી વધુ ભાવિકો પધારેલ તે તમામને માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(8:07 pm IST)