Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સુરતમાં પાટીદારોનો રણટંકારઃ સૌરાષ્ટ્રમાં સીધી અસર

રવિવારે સુરતમાં હાર્દિકનો હાઈવોલ્ટેજ રોડ-શો અને જંગી જાહેરસભામાં : ભાજપને પાડી દેવા લેવાયેલ શપથ બાદ સવા લાખ પાટીદારો વતન આવશે...૩૦૦૦ વાહનો બુક

રાજકોટ, તા. ૪ :. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી સૌથી વધુ પ્રભાવિત હીરાનગરી સુરતમાં ગઈકાલે હાર્દિક પટેલના રોડ-શો અને મહાસભામાં ઉમટેલા પાટીદારનો સમુદ્ર ઘુઘવ્યો હતો. જેની સીધી અસર સૌરાષ્ટ્રની પાંચ જિલ્લાને ધારાસભાની ૨૦થી વધુ બેઠકો પર થનાર હોવાનું જાણકાર પંડીતોએ જણાવ્યુ છે.

સુરતમાં ગઈકાલે હાર્દિક પટેલની ઐતિહાસિક જનક્રાંતિ મહારેલી સવારે ૯ કલાકેથી ગજેરા સર્કલથી પ્રારંભ થયો હતો. હાર્દિક પટેલની ઐતિહાસિક જનક્રાંતિ મહારેલીના પ્રારંભથી જ હજારો બાઈક અને કારમાં સવાર પાટીદારોએ રાજમાર્ગો પર 'જય સરદાર, જય પાટીદાર'ના નારા સાથે રાજમાર્ગો ગજવી દીધા હતા. મહાક્રાંતિ રેલીમાં ઠેર ઠેર હાર્દિક પટેલનું ઉત્સાહભર્યુ સ્વાગત કરવા મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ-બહેનો ઉમટી પડયા હતા. મહાક્રાંતિ રેલીના રાજમાર્ગો પર ભારે ચક્કાજામ સર્જાયો હતો પરિણામે યોગી ચોક ખાતેની સભામાં સમયસર પહોંચવા માટે ૨૦થી વધુ સોસાયટીઓના રૂટ રદ્દ કરવાની ફરજ પડી હતી.

યોગી ચોક ખાતેની પાટીદાર મહાસભામાં હાર્દિક પટેલે હજારો પાટીદારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, ભાજપ સરકારને આ વખતે પાડી દેજો... સરકારની ભાગલા પડાવો અને રાજ કરો.. તેમજ પાટીદાર સમાજ ઉપર દમન સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને અંતમાં હજારો પાટીદારોએ સામુહિક રીતે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં પાડી દેવાના શપથ લેવડાવ્યા હતા. યોગી ચોક ખાતેની સભામાં ઉપસ્થિતોને પાટીદાર સમાજના યુવાનોને વતનમાં ૯ વાગ્યા સુધીમાં મતદાન કરવા સંદેશો આપવા જણાવ્યું હતું.

હાર્દિક પટેલની સુરતમા યોજાયેલ મહાક્રાંતિ રેલી અને મહાસભાની સીધી અસર સૌરાષ્ટ્રમાં પડશે. સુરતમાંથી અંદાજે સવા લાખથી વધુ પાટીદારો સૌરાષ્ટ્રમાં માત્ર મતદાન કરવા જવાના આયોજનો થયા છે. ૧૦૦૦થી વધુ બસ, ૨૦૦૦થી ખાનગી વાહનો દ્વારા તા. ૮ની મોડી રાત્રીના વતનમાં પહોંચી જવાનું આયોજન થયુ છે.

(4:48 pm IST)