Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

દેશને પીંખી નાખવા કોંગ્રેસનો કારસોઃ નરેન્દ્રભાઈ

ભાવનગરમાં જંગી જાહેરસભા સંબોધતા નરેન્દ્રભાઇઃ જુનાગઢ,જામનગરમાં પણ પ્રચારયાત્રાઃ એક જ દિવસમાં ૩ જગ્યાએ સભાઃ ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ તા. ૪ :. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે ભાવનગર, જુનાગઢ અને જામનગરમાં જાહેરસભા યોજાઇ છે. આજે એક જ દિવસમાં નરેન્દ્રભાઇ ૩ જગ્યાએ સૌરાષ્ટ્રમાં જાહેરસભા સંબોધશે.

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે જાહેરસભાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ભાવનગરનો અહેવાલ ભાવનગર : ભાવનગરમાં આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભા યોજાઇ હતી. પાટીદાર- ક્ષત્રીય સમાજના વિરોધ પ્રદર્શનને ટાળવા તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. તથા સેનાનાં જવાનો દ્વારા બંદોબસ્ત અર્થ શહેરમાં ફલેગ માર્ચ યોજી રીહર્સલ કરાયું હતું.

ભાવનગર ખાતે આયોજીત જાહેરસભાને સંબોધતા નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, જાતિવાદ કોંગ્રેસે અંગ્રેજી પાસેથી શીખ્યા છે અને આ જાતિવાદને સહારે દેશને પીંખી નાખવા કોંગ્રેસે કારસો ઘડયો છે.

નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યુ કે, આઝાદીને સ્વર્ણિમ આભા ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહે આપી છે અને સામાજિક એકતાનો ઈતિહાસ ગુંજતો કર્યો છે.

ભાજપ સરકારમાં મારી આગેવાની હેઠળ દેશનું માથુ શરમથી ઝુકી જાય તેવુ એક પણ કાર્ય કર્યુ નથી અને બે દાયકા સુધી મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી છે.

ભાવનગરમાં આજે સોમવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભા ચિત્રા માર્કેટ યાર્ડ સામે યોજાઇ હતી. વડાપ્રધાનની જાહેરસભાને લઇ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન મોદીએ પાલીતાણા ખાતે માનગઢ હત્યા અંગે ઉલ્લેખ કરતા ક્ષત્રીય-પાટીદારો નારાજ થયા છે અને તેઓએ વડાપ્રધાન સામે કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવાનું જાહેર કરતાં તંત્ર દ્વારા વિરોધ પ્રદર્શનને ટાળવા પુરતી તૈયારીઓ કરી લેવાઇ છે.

સભા સ્થળ ઉપરાંત શહેરમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સભા પૂર્વે સેનાનાં જવાનો એ શહેરમાં ફલેગ માર્ચ કરી હતી.

જૂનાગઢનો અહેવાલ

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આજની જુનાગઢ ખાતેની ચુંટણી સભાને લઇ મતદારોને ભારે ઉતેજના પ્રવર્તે છે. શ્રી મોદીને સાંભળવા માટે મોટી જનમેદની ઉમટી પડી છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે ગણતરીના જ દિવસો બાકી છે ભાજપ-કોંગ્રેસે ચુંટણી પ્રચાર માટે રાત-દિવસ એક કર્યા છે. ગઇકાલથી ગુજરાતના ચુંટણી પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે.

આજના બીજા દિવસના ચુંટણી પ્રવાસનો પ્રારંભ પીએમ મોદીએ ધરમપુર ખાતેથી કર્યો છે. ધરમપુર બાદ તેઓ ભાવનગર અને જુનાગઢ જામનગર ખાતે સભા સંબોધવાના છે. જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે બપોરે બે વાગ્યે શ્રી મોદીની સભા રાખવામાં આવી છે. પરંતુ તેવો નિર્ધારીત સમય કરતા મોડા આવવાની શકયતા છે.

પીએમ મોદી વડાપ્રધાન થયા પછી પ્રથમ વખત જ જુનાગઢ આવતા પોલીસ કાફલો ખડેપગે છે.

વડાપ્રધાન મોદીની જુનાગઢની સભામાં જુનાગઢ ઉપરાંત વિસાવદર, કેશોદ, માંગરોળ અને માણાવદર બેઠકનાં ઉમેદવારો તેમજ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના ભાજપના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહેશે.

શ્રી મોદીને સાંભળવા માટે સવારેથી લોકો ઉમટી પડયા છે. સભા સ્થળે પીવાના પાણી સહીતની પ્રાથમીક જરૂરીયાતની ગોઠવણ કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢ જિલ્લામાં પાંચ બેઠક પૈકી વિસાવદર, માણાવદર અને માંગરળ બેઠક કોંગ્રેસના કબ્જામાં છે અને જુનાગઢ તથા કેશોદ સીટ ભાજપ પાસે છે. આ વખતની વિધાનસભા ચુંટણીમાં ભાજપે ૧પ૦ પ્લસનો ટાર્ગેટ રાખ્યો છે અને જે પાર પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સહીત પાર્ટીના નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે.(૨-૧૮)

કેશુભાઈ પટેલ અને હરીસિંહદાદા ગોહિલ પાસેથી રાજકારણનો એકડો શીખ્યોઃ મોદી

ભાવનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને ભાવનગરના ભાજપના વરિષ્ઠ અગ્રણી હરિસિંહદાદા ગોહિલને યાદ કર્યા હતા. તેઓએ જણાવ્યુ કે આ બન્ને પાસેથી હું રાજકારણનો એકડો શીખ્યો છું.

(4:47 pm IST)