Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

યુપીમાં ભલે ભાજપના કેસરિયા પણ આ જીતમાં પણ છે લાલબત્તી

મોટા શહેરોમાં સારૂ પ્રદર્શન પણ નાના શહેરોમાં નથી જાદુઃ જીત છતાં વોટશેરના આંકડા પણ ચિંતાજનકઃ નગરપાલિકાઓમાં ૧૯૮ પૈકી ૭૦ પર જ કબજો

લખનૌ તા. ૪ : ઉત્તર પ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં ભાજપને મળેલ બંપ જીત દેશના મોટાભાગના મીડિયામાં ચર્ચાનો વિષય રહી. અને આ જીતના કારણે વિધાનસભા ચૂંટણીવાળા ગુજરાતમાં પણ ભાજપના આત્‍મવિશ્વાસમાં વધારો થયો છે. પરંતુ રાજકીય પંડિતો પરીણામોના એનાલિસિસ બાદ ભાજપ માટે લાલબત્તી ધરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં ભલે ૧૬ પૈકી ૧૪ જિલ્લામાં ભાજપ મેયર સીટની ચૂંટણી જીતી ગયું હોય. પરંતુ ટૂ-ટિયર શહેરોની વાત કરવામાં આવે તો દ્રશ્‍ય કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. બીજા સ્‍તરના મધ્‍યમ કદના શહોરના નગર પાલિકા ચૂંટણીમાં ભાજપને ફક્‍ત ૩૫% બેઠકો પર જીત મળી છે તો ભાજપનો વોટ શેર પણ ફક્‍ત ૨૮.૬ ટકા જ છે.

હવે મહત્‍વપૂર્ણ બાબત એ છે કે ૨૦૧૪માં આજ શહેરોમાં ભાજપને ૪૨ ટકા વોટ શેર મળ્‍યો હતો. તો આ વર્ષની શરુઆતમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં પણ વોટશેર લગભગ તેટલો જ રહ્યો હતો. ત્‍યારે સ્‍થાનિક ચૂંટણીમાં વોટશેરના આંકડામાં આટલી બધી ઘટ ભાજપ માટે ચિંતાનો વિષય છે.

મહાનગરપાલિકાઓ સીવાયની જગ્‍યાએ એટલે કે નગરપાલિકાના પરીણામો પર દ્રષ્ટી નાખીએ તો ૧૯૮ પૈકી માત્ર ૭૦ બેઠકો પર ભાજપે જીત નોધાવી છે. અલબત્ત રાજયની અન્‍ય પાર્ટીઓ સમાજવાદી, બહુજન સમાજવાદી અને કોંગ્રેસ કરતા આ પ્રદર્શન કેટલાક અંશે સારુ છે અને વોટ શેરની દ્રષ્ટીએ ભાજપ ૨૮.૬% વોટ ધરાવે છે જે તેના બાદ બીજા નંબરે રહેલી સમાજવાદીના ૨૧.૭% કરતા ઘણું વધારે છે.

આ રીતે જોવામાં આવે તો ભાજપ મોટા અને મધ્‍યમ કદના શહેરોમાં તો જીતી રહી છે પરંતુ ગ્રામ્‍ય અને તાલુકા સ્‍તરે તેનું પ્રદર્શન ખરાબ થઈ રહ્યું છે જયારે કોંગ્રેસ અને અન્‍ય વિરોધી પાર્ટીઓ આ ગ્રાસ રૂટ સ્‍તરે નવજીવન મેળવી રહી છે. લગભગ આવું જ પરીણામ ૨૦૧૫માં ગુજરાતની સ્‍થાનિક ચૂંટણીમાં જોવા મળ્‍યું હતું.

 

(5:10 pm IST)