Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

તંત્ર હાઇએલર્ટ

કાલે 'ઓખી' વાવાઝોડુ ત્રાટકશે

અરબીસમુદ્રમાં ઉભુ થયેલું વાવાઝોડુ તામીલનાડુ, કેરળ અને લક્ષદ્રીપને ધમરોળ્યા બાદ દ.ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છેઃ ૬૦થી ૭૦ કિમીની ઝડપે પવન ફુંકાવાને સંભાવનાઃકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની સંભાવનાઃ સુરત અને નવસારીમાં એનડીઆરએફની ટીમો તૈનાતઃ સરકારે સ્થિતિની કરી સમીક્ષાઃ સમગ્ર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણઃ આવતા બે દિવસ ગુજરાત માટે ભારે

નવી દિલ્હી તા. ૪ : અતિભયંકર વાવાઝોડુ ઓખી ઝડપભેર દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે તે આવતીકાલે પહોંચી જાય તેવી શકયતા છે. હવામાનખાતાના જણાવ્યા પ્રમાણે આજે સવારે તે મુંબઇથી ૬૭૦ કિ.મી., સુરતથી ૮૫૦ કિ.મી. કેન્દ્રીત હતું. આ વાવાઝોડું આવતા બે દિવસમાં ગુજરાતના કાંઠાના વિસ્તારને ધમરોળશે. સંભવિત વાવાઝોડાને લઇને સરકાર હાઇએલર્ટ પર છે અને બંદરો ઉપર એલર્ટના સિગ્નલો લગાડી દેવામાં આવ્યા છે. સુરત અને નવસારીમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે ગુજરાતમાં ૬૦ થી ૭૦ કિ.મી.ની

ઝડપે પવન ફુંકાશે. તેના કારણે ખાનાખરાબી કે જાનહાની ન થાય તે માટે સરકારે તમામ તૈયારી કરી છે. ગુજરાતમાં રાહત કમિશ્નરે આજે સ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવી હતી.

અરબ સમદ્રમાં તૈયાર થયેલું ઓખી નામનું વાવાઝોડું તામિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપને ધમરોળ્યા બાદ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાત ઓખી ૪ ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચશે. ચોથી તારીખની મધરાત સુધીમાં દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે લેન્ડ થઈ શકે છે. અમદાવાદમાં પણ આ કારણે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. વાતાવરણ વાદળછાયું બની ગયું છે.

છેલ્લા ૧૭ કલાકમાં વાવાઝોડું ઓખી ૧૭ કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્ત્।ર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ચક્રવાત ઓખીની તીવ્રતામાં ઘણો ઘટાડો થશે. સોમવાર માટે આ વાવાઝોડાને વેરી સિવિયરમાંથી સિવિયરની શ્રેણીમાં મૂકયું છે. વાવાઝોડાના કારણે ૪ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરે રાતે ઉત્ત્।ર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત નજીકનો અરબી સમુદ્ર તોફાની બની રહેશે.

જેથી આગામી ૪૮ કલાક સુધી ઉત્ત્।ર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્રમાં નહીં જવા માછીમારોને ચેતવણી અપાઈ છે. તો લક્ષદ્વીપ ટાપુઓના માછીમારોને પણ આગામી ૨૪ કલાક સમુદ્ર નહીં ખેડવા ચેતવણી અપાઈ છે. ચક્રવાત ઓખીને કારણે દક્ષિણ ગુજરાતમાં પાંચમી ડિસેમ્બરના રોજ વ્યાપક તેમજ કેટલાંક સ્થળોએ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

વાવાઝોડાના કારણે ૬૫ કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના એક વરિષ્ઠ વિજ્ઞાનીએ જણાવ્યું કે, કોઇપણ ચક્રવાતને ઉગ્ર બનાવવા માટે જરૂરી એવા ભેજનું પ્રમાણ હાલ અરબી સમુદ્રમાં નહિવત્ હોવાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાત ઓખીનું નબળું પડી જશે.'ઓખી' વાવાઝોડા તેમજ વરસાદની આગાહીને પગલે દરીયામાં ફિશીંગ કરતા માછીમારોને સાવચેત કરાયા છે. ત્યારે માંગરોળની ૪૦ બોટ પરત ફરી છે. જયારે ૬૦૦ બોટ હજુ સમુદ્રમાં છે.

જો કે હાલ સુધી તેમને કોઈ નુકસાન થયું હોવાની માહિતી આવી નથી. બીજી બાજું બંદરે ફકત ૨૦૦ બોટને લાંગરવાની જગ્યા હોય જો ફિશિંગ માટે ગયેલી તમામ બોટ પરત ફરે તો તેમને લાંગરવાની સમસ્યા સર્જાઈ શકે છે. ચક્રવાત ઓખીએ લક્ષદ્વીપ, કેરળ અને તામિલનાડુમાં ભારે વિનાશ વેર્યો છે. અત્યાર સુધીમાં ૨૨ લોકો વાવાઝોડાના કારણે જીવ ગુમાવ્યો છે અને ૭૦૦થી વધુ માછીમારોને બચાવી લેવાયા છે. હજુ ૧૧૫ માછીમારો લાપતા હોવાનું અનુમાન છે.

સરકારના ધીમા બચાવકાર્ય સામે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે. વાવાઝોડામાં નુકસાન પામેલ દરિયાઈ દીવાલોને ફરી બનાવવા અને અહીં રહેતા લોકોનું પુનર્વસન કરવાની માગ થઈ રહી છે. તો દરિયામાં ફસાયેલા માછીમારોને બચાવવા સ્થાનિકો જાતે દરિયામાં જવા લાગ્યાં છે. સરકારી ચેતવણીને અવગણીને ૪૦ કરતાં વધુ બોટમાં માછીમારો પોતાના સ્વજનોની શોધમાં નીકળી પડયાં છે.

(5:38 pm IST)