Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

હવે રાહુલના 'હાથ'માં કોંગ્રેસ અધ્યક્ષપદ માટે નામાંકન

કોંગ્રેસમાં 'પેઢી'ના પરિવર્તનની પ્રક્રિયા શરૃઃ કોઇ ઉમેદવારી નહિ ભરે તો સાંજ સુધીમાં બની જશે અધ્યક્ષ : ઉમેદવારી પૂર્વે માતા સોનિયાના લીધા આશિર્વાદઃ મનમોહન સહિત ટોચના નેતાઓની હાજરીઃ કોંગ્રેસમાં જશ્ન

નવી દિલ્હી તા.૪ : કોંગ્રેસમાં આજથી રાહુલ યુગના મંડાણ થયા છે. લગભગ બે દાયકા બાદ કોંગ્રેસને તેમને નવા અધ્યક્ષ મળી રહ્યા છે. વર્તમાન અધ્યક્ષ સોનિયા ગાંધી ૧૯૯૮થી પક્ષની કમાન સંભાળી રહ્યા છે. આજે રાહુલ ગાંધીએ પક્ષના હેડ કવાટરમાં અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર નોંધાવ્યુ હતુ. આ પ્રસંગે સોનિયા ગાંધી અને મનમોહન સિંહ હાજર રહ્યા હતા. આ પહેલા રાહુલે આજે રાજઘાટ જઇને મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આજે અધ્યક્ષ માટેના નામાંકનનો અંતિમ દિવસ છે. હજુ સુધી અન્ય કોઇ નામાંકન આવ્યુ નથી અને રાહુલના પક્ષમાં ૯૦થી વધુ નામાંકન દાખલ થયા છે અને ચૂંટણીના મેદાનમાં તેઓ એક માત્ર ઉમેદવાર રહ્યા છે અને એ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષના સ્વરૂપમાં તેમના માટેના તમામ રસ્તા પણ ખુલી ગયા છે. અન્ય જે લોકોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષરો કર્યા છે તેમાં ગુલામનબી, એ.કે.એન્ટની, ચિદમ્બરમ, અહેમદ પટેલ, સુશીલકુમાર શીંદે વગેરેનો સમાવેશ થાય છે. સંગઠનની ચૂંટણી માટે મુલાપલ્લી રામચંદ્રને ચૂંટણી અધિકારીની ભુમિકા ભજવી છે. કોઇ અન્ય હરીફ નહી આવતા રાહુલ આ પદ મા૨ટેના એકલા જ ઉમેદવાર બન્યા છે.

અંતે એ સમય આવ્યો જેનો કોંગ્રેસ લાંબા સમયથી રાહ જોતી હતી. રાહુલ ગાંધીએ આજે અધ્યક્ષપદ માટે ઉમેદવારી પત્રક ભર્યું. આ દરમિયાન તેઓની સાથે વડાપ્રધાન મનમોહનસિંહ, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિત, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અનેક કોંગ્રેસ નેતા હાજર રહ્યા. અધ્યક્ષ પદ માટે કુલ ૯૦ પ્રસ્તાવ દાખલ કર્યા. દરેક પ્રસ્તાવમાં ૧૦-૧૦ પ્રસ્તાવક હશે.

તેઓ ઉમેદવારી પત્રક ભર્યા પહેલા રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી સાથે કરી મુલાકાત, ગુજરાત વિધાનસભા ચુંટણીમાં વાપસીની રાહ જોઇને બેઠેલા કાર્યકરોમાં નવુ જોમ અને જુસ્સો આવશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાહુલને તિલક પણ લગાવ્યું.

આ પ્રસંગે પક્ષ કાર્યાલય પર કોંગ્રેસના આલા નેતાઓનો જમાવડો રહ્યો. પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહ, રાજીવ શુકલા, કર્ણસિંહ સહિત પક્ષના દરેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.

રાહુલ ગાંધીએ ઉમેદવારી પત્રક ભર્યા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટાક્ષ કર્યો છે. ગુજરાતના ધરમપુરમાં ચુંટણી રેલી દરમિયાન પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના એક નિવેદનનો હવાલો આપીને પક્ષને ઔરંગઝેબ કાળ કહ્યો.

(4:09 pm IST)