Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ગુજરાતમાં હત્યાનું મોટું કારણ પ્રેમ પ્રકરણોઃ એક જ વર્ષમાં ૧૯૮ લોકોની હત્યા

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ રાજ્યમાં થતી હત્યાની સંખ્યામાં ૨.૬ ટકાનો ઘટાડો નોંધાયો

નવી દિલ્હી તા. ૪ : રાજયમાં વર્ષ ૨૦૧૬માં પ્રેમ પ્રકરણમાં દિલ તૂટ્યુ હોવાને કારણે કુલ ૧૯૮ લોકોની હત્યા થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સંખ્યા રાજયમાં થતી કુલ હત્યાની સંખ્યાના ૧૮ ટકા જેટલી છે. તેમાં પ્રેમ પ્રકરણ ભાંગી પડતા ૧૩૩, લગ્નેત્ત્।ર સંબંધોમાં ૫૫ અને ઓનર કિલિંગમાં ૧૦ વ્યકિતની હત્યા થઈ હોવાનું પોલીસના ચોપડે નોંધાયુ છે. સંબંધોના ગૂંચવાડાને કારણે અથવા તો અંગત અદાવત કે દુશ્મનાવટ થતી હત્યાની સંખ્યા ૨૪૫ જેટલી છે જે કુલ હત્યાના ૨૧.૮ ટકા જેટલી છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા મુજબ રાજયમાં થતી હત્યાની સંખ્યામાં ૨.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૦૧૫માં ૧૧૫૦ હત્યા નોંધાઈ હતી જયારે ૨૦૧૬માં ૧૧૨૦ હત્યા નોંધાઈ છે. ૭૫ ટકા કેસમાં પુરૂષોની હત્યા કરવામાં આવી છે. જો કે સુરત અને અમદાવાદ એ બંને શહેરોમાં હત્યાની સંખ્યા વધી છે. અમદાવાદમાં ૨૦૧૬માં ૧૦૩ હત્યા નોંધાઈ હતી જેની સંખ્યા ૨૦૧૫માં ૯૨ હતી. સુરતમાં ૨૦૧૫માં ૧૦૧ મર્ડર સામે ૨૦૧૬માં ૧૦૨ મર્ડર નોંધાયા હતા.

રાજયમાં હત્યા માટેનું બીજુ એક મોટુ કારણ પ્રોપર્ટીમાં થતા ડખા (૮૧), ફાયદો (૪૮) અને પૈસાના મુદ્દે થતા ઝઘડા છે. આ ઉપરાંત લૂંટમાં (૨૦) અને જાદુટોણામાં ૧૪ હત્યા થઈ છે. છ હત્યા દહેજના દૂષણના કારણે થઈ છે તો ત્રણ હત્યા રસ્તા પર થયેલા ઝઘડાને કારણે નોંધાઈ છે.

રિપોર્ટ મુજબ કુલ હત્યામાંથી ૯૪ હત્યા તો ૧૮ વર્ષથી નાની વયના લોકોની થઈ છે. તેમાંથીય ૫૩ તો છ વર્ષથી નાની વયના હતા. મોટા ભાગના લોકો ૩૦-૪૫ વયના (૪૬૪) હતા. ત્યાર પછી ૧૮-૩૦ વર્ષના વયજૂથમાં કુલ ૪૦૧ અને ૪૫થી ૬૦ વર્ષના વયજૂથમાં કુલ ૧૯૦ હત્યા થઈ હતી.

(12:27 pm IST)