Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

બજેટમાં પેન્શનરો - કોર્પોરેટ જગતને રાહત મળવાની સંભાવના

નવા બજેટમાં મોટી નીતિગત જાહેરાતોને બદલે ૩ વર્ષના સુધારાને આગળ વધારવાની વાત હશેઃ માર્ગ નિર્માણ અને સૌને આવાસના લક્ષ્યાંકો પાર પાડવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે

નવી દિલ્હી તા.૪ : મોદી સરકારના ર૦૧૮-૧૯ના સામાન્ય બજેટમાં કોઇ મોટી નીતિગત જાહેરાત કરવાને બદલે પાછલા ૩ વર્ષોમાં કરવામાં આવેલા સુધારાઓને જ આગળ વધારી શકે છે. બજેટ આડે હવે માત્ર ર મહિના જ બાકી રહ્યા છે અને નાણા મંત્રાલયે બજેટ બનાવવાની કામગીરી શરૂ કરી છે. મંત્રાલયના ટોચના અધિકારીઓના માનવા મુજબ કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રત્યક્ષ કરના દરોમાં ફેરફારો થઇ શકે છે. આ ઉપરાંત પેન્શનરોને પણ ટેકસમાં છુટછાટ આપવામાં આવે તેવી શકયતા છે.

બજેટ નિર્માણ સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અર્થવ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે છેલ્લા ૩ વર્ષમાં અમે અનેક પગલા લીધા છે અને હવે અટકવાનો સમય છે. હવે સરકારનું ધ્યાન રોડ નિર્માણને વેગ આપવા અને બધા માટે આવાસ કાર્યક્રમ હેઠળ ગરીબો માટે એક કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક પુરો કરવા પર રહેશે. સૌના માટે આવાસની સમય સીમા ડિસેમ્બર ર૦૧૮ હોય શકે છે. અધિકારીએ કહ્યુ છે કે સરકારે જીએસટી, નોટબંધી, બેન્કીંગ સુધારા, દેવાળીયા કાનૂનમાં સંશોધન, વિદેશી નિવેષને સરળ બનાવવાનું, ખાતર ક્ષેત્રમાં ફેરફારો અને વેપાર સરળ બને તે માટે પગલા લીધા છે. જેની અસર હવે અર્થવ્યવસ્થા ઉપર દેખાઇ રહી છે પરંતુ આગળને સુધારાને એક નાણાકીય વર્ષ સુધી રાહ જોવી પડશે.

અર્થવ્યવસ્થામાં સુધારા પર વિરામ એટલા માટે જરૂરી બનેલ છે કે જીએસટી સંગ્રહમાં અત્યારે ઉતાર-ચડાવ ચાલી રહ્યો છે અને તેના ટ્રેન્ડ અંગે અત્યારે કશુ કહી ન શકાય. ઓકટોબરમાં જીએસટી સંગ્રહ સપ્ટેમ્બરના ૯ર૧પ૦ કરોડની સરખામણીમાં ૯.પ ટકા ઓછો રહ્યો.

(10:02 am IST)