Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

અરે વાહ... હાઇવે પર વારંવાર ટોલ ચુકવવામાંથી મળશે મુકિત

મોદી સરકાર નવી ટોલ નીતિ ઉપર કામ કરે છે કે જેથી વાહન ચાલક પોતાની યાત્રા સરળતાથી કરી શકેઃ વારંવાર અટકવુ ન પડેઃ રાજમાર્ગ ઉપર બે ટોલ બુથ વચ્ચેનું અંતર પ૦ કિ.મી. રખાશે અને એ ફકત ર લાખની વસ્તીવાળા શહેરની વચ્ચે જ રહેશે

નવી દિલ્હી તા.૪ : રાજમાર્ગો ઉપર ટોલના ચુકવણાની રીત જ નથી બદલાતી પણ સાથે-સાથે કયા ટોલ વસુલવામાં આવશે તેમાં પણ ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સરકાર એક એવી નીતિ ઉપર કામ કરી રહી છે જેનાથી ટોલ બુથને કારણે થતા ટ્રાફીકજામમાંથી મુકિત મળી જશે. રાજમાર્ગો ઉપર બે ટોલ બુથો વચ્ચેનું અંતર ઓછામાં ઓછુ પ૦ કિ.મી. રહેશે અને એ ફકત મુખ્ય શહેરોમાં જ રહેશે. મુખ્ય શહેરોની પરિભાષા હેઠળ ર લાખથી વધુ વસ્તીવાળા શહેરોને સામે કરવામાં આવશે.

માર્ગ અને પરિવહન મંત્રાલય હાલ આ પ્રસ્તાવ ઉપર કામ કરી રહ્યુ છે. હવે આ પ્રસ્તાવને કેબીનેટ મંજુરી આપશે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વિગત તૈયાર થયા બાદ અમે તેને સુચનો માટે સંબંધિત મંત્રાલયો પાસે મોકલીશું તે પછી અંતિમ મંજુરી માટે મંત્રીમંડળ પાસે મોકલાશે. આ પ્રસ્તાવનો હેતુ મુસાફરો માટે રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર સરળતાથી મુસાફરી ઉપલબ્ધ કરાવવાનો છે. કોઇ વ્યકિત રાજસ્થાન જેવા રાજયમાં એક શહેરથી બીજા શહેરની યાત્રા કરે તો તેને ઓછામાં ઓછા ચાર વખત ટોલ દેવો પડે છે કારણ કે ત્યાં પ૦ કિ.મી. પર એક ટોલ પ્લાઝા છે.

અધિકારીએ કહ્યુ છે કે એક જ રાજયમાં યાત્રા કરનાર વ્યકિતને ૩ થી ૪ વખત ટોલ શા માટે આપવો જોઇએ. ટોલ ફકત મુખ્ય શહેરો વચ્ચે જ વસુલવો જોઇએ અને બે લાખથી વધુ વસ્તીવાળા શહેરોને મુખ્ય શહેર માનવા જોઇએ. જો કોઇ વ્યકિત રાષ્ટ્રીય રાજમાર્ગ નં.૧ પર નવી દિલ્હીથી હરિયાણાના અંબાલા સુધીની યાત્રા કરતો હોય તો તેને ફકત બે જ જગ્યાએ ટોલ આપવો પડશે. જયારે અત્યારે તેને ૪ થી પ જગ્યાએ ટોલ ચુકવવો પડે છે.

આ પ્રસ્તાવ ઉપર અત્યારે કામ ચાલી રહ્યુ છે. ઇલેકટ્રોનીક ટોલ વસુલાત બાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર યાત્રા સુગમ બનાવવાની દિશામાં આ બીજુ પગલુ હશે. ઓગષ્ટમાં નેશનલ હાઇવે ઓથોરીટીએ બે મોબાઇલ એપ માઇફાસ્ટટેગ અને ફાસ્ટ ટેગ પાટનર શરૂ કરી હતી. જેનો હેતુ ઇલેકટ્રોનીક ટોલ ચુકવણાની સુવિધા પ્રદાન કરવાનો છે. ફાસ્ટ ટેગને વાહનના કાચ ઉપર લગાવવામાં આવે છે અને તેમાં રેડીયો ફ્રીકવન્સી આઇડેન્ટીફીકેશન ટેકનોલોજી હોય છે અને આ ટેગ ઓટોમેટીક રીતે ટોલના પૈસા માટે પ્રિ-પેઇડ ખાતા સાથે જોડાઇ જાય છે તેમાં વાહનને રોકડેથી ટોલ ચુકવવા માટે ટોલ બુથ પર ઉભા રહેવાની જરૂર નથી રહેતી. અત્યારે ઇ-ટોલ સુવિધા દેશના ૩૦૦ ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે.

(10:01 am IST)