Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

આપસી સહમતીથી છૂટાછેડા લેનાર કપલ માટે 'કૂલિંગ ઓફ' માફ

મુંબઇ તા. ૪: પરસ્પર સહમતીથી છૂટાછેડા લેનારાઓના કેસમાં સંબંધિત પ્રકરણની સ્થિતિ ધ્યાનમાં લઇને આપવામાં આવતો છ મહિનાનો 'કુલિંગ ઓફ'સમય (છૂટાછેડાના નિર્ણય અંગે ફેરવિચાર કરવા માટે આપવામાં આવતો સમય) ન્યાયાલય મારફત માફ કરાવી શકાય છે, એવો સર્વોચ્ચ અદાલતનો અઢી મહિના પૂર્વના ફેંસલાના આધારે મુંબઇના પ્રકરણમાં પ્રથમ વાર કૌટુંબિક ન્યાયાલયે આ સમયગાળો માફ કરવાનો નિર્ણય આપ્યો હતો. નવ વર્ષથી પતિથી અલગ રહેતી અને કેન્સરના રોગથી પીડિત મહિલાએ બાન્દ્રા કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.

જેમાં સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાનો આધાર લઇને 'કુલિંગ ઓફ' સમય માફ કરવાની વિનંતી પણ પતિ, પત્ની બંને તરફથી કરવામાં આવી હતી, જેને અદાલતે માન્ય કરી હતી.આ દંપતી ત્રણ દાયકા સાથે રહ્યા બાદ ૨૦૦૮થી અલગ રહેતાં હતાં. પતિ ૨૦૦૮થી ચીનમાં રહે છે. પતિપત્ની બંને છૂટાછેડા માટે તૈયાર છે. બંનેની સાથે રહેવાની શકયતા નથી. ઓછામાં ઓછું એક વર્ષ અલગ રહેવાની કાયદેસર શરત પૂર્ણ થયા બાદ બંને વચ્ચે મનમેળ સાધવાના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે.

કેન્સરના રોગથી પીડિત અને વધારે માનસિક તાણ સહન કરવાની ઇચ્છા નહીં ધરાવતી પત્નીને 'કુલિંગ ઓફ'સમય માફ કરવાનું યોગ્ય રહેશે, એમ ન્યાયમૂર્તિએ નોંધ્યું હતું.

(10:00 am IST)