Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

દિવાળી ફટાકડા વગર પણ ઉજવી શકાય

રાજસ્થાનમા હવાના પ્રદૂષણને રોકવા શુધ્ધ હવા અભિયાન હેઠળ ફટાકડા વેચાણ ઉપર પ્રતિબંધ

 નવી દિલ્હી,તા.૪ : ભારતમાં કોરોનાની સ્થિતિ ધીમેધીમે હવે સુધારી રહી છે, પરંતુ દિવાળીના તહેવારોમાં કોરોનાના કેસ ન વધે તે માટે આગોતરાં પગલાં લેતાં રાજસ્થાન સરકારે દિવાળીમાં ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે તેમજ આ નિયમનો ભંગ કરનાર પર દંડની પણ જોગવાઈ કરી છે. આ આદેશ રાજયમાં ૩૧મી ડિસેમ્બર સુધી અમલી રહેશે.

દેશમાં૨૪ કલાકમાં કોરોનાના નવા૪૮,૮૬૮કેસ નોંધાયા હતા અને વધુ૫૧૬ના મોત નીપજયાં હતા જયારે કોરોનાના૫૪,૯૯૦દર્દી સાજા થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮૩,૧૦,૭૩૩ થઈ હતી અને મૃત્યુઆંક૧,૨૩,૫૩૮થયો હતો જયારે અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૭૬,૫૨,૬૫૪ દર્દી સાજા થયા હતા તેમ પીટીઆઈની રાજયવાર ટેલી પરથી જણાયું છે.

તહેવારોની મોસમ અને શિયાળાની ઠંડીને પગલે કોરોનાના કેસ વધવાની નિષ્ણાતોની ચેતવણીની અસર દિલ્હીમાં જોવા મળી છે. દિલ્હીમાં ગઇકાલે એક જ દિવસમાં કોરોનાના વિક્રમી ૬,૭૨૫ નવા કેસ નોંધાયા હતા. નવા કેસ સાથે દિલ્હીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ચાર લાખને પાર થઈ ગઈ છે  જયારે મૃત્યુ આંક ૬૬૫૨ થયો છે.

દિલ્હીમાં ગઇકાલે ૫૯,૪૪૦ સેમ્પલની તપાસ થઈ હતી, જેમાંથી ૧૧.૨૯ ટકા લોકો કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. રાજધાનીમાં કોરોનાના કેસ વધતાં નિષ્ણાતોએ ચિંતા વ્યકત કરી હતી. દિલ્હીની જેમ કેરળ,બંગાળ અને મણિપુરમાં પણ કોરોનાના નવા કેસમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જોકે, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્ત્।ર પ્રદેશમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે.

કોરોનાના કેસ વધવાના સંદર્ભમાં નિષ્ણાતોની ચેતવણીને ધ્યાનમાં લેતાં રાજસ્થાન સરકારે દિવાળીમાં ફટાકડાના વેચાણ પર રૂ.૧૦ હજાર અને ફટાકડા ફોડવા પર બે હજાર રૂપિયાનો દંડ લગાવવાની જોગવાઈ કરી છે. કોરોના મહામારીના કારણે આ પગલું લેવાયું છે તેમ ગેહલોત સરકારે કહ્યું હતું. ફટાકડાથી વાતાવરણ કથળે છે અને કોરોનાના દર્દીઓ પર જોખમ વધે છે.

ફટાકડાના ધૂમાડાથી કોરોનાના દર્દીઓને હૃદય અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. રાજયમાં 'નો માસ્ક-નો એન્ટ્રી' તથા 'શુધ્ધ હવા માટેના અભિયાન' હેઠળ આ નિર્ણય લેવાયો છે. રાજસ્થાનમાં કોરોનાના બે લાખથી વધુ કેસ નોંધાયા છે અને૧,૯૩૬ના મોત નીપજયાં છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કોરોનાના ૧,૭૩,૩૮૪ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક૪૪,૨૪૮થયો છે.

(3:31 pm IST)