Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઇન્ડિગોનું સર્વર ડાઉન થતાં હજારો વિમાની યાત્રી હેરાન

વિમાની મથકે યાત્રીઓની લાંબી લાઈનો લાગી : સર્વર ડાઉન હોવાની માહિતી ઇન્ડિગો દ્વારા પોતે અપાઈ

નવીદિલ્હી, તા. ૪ : એરલાઈન કંપની ઇન્ડિગોના સર્વર ડાઉન હોવાના કારણે મોટી સંખ્યામાં વિમાની યાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આના પરિણામ સ્વરુપે વિમાની મથકો ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. કંપનીએ પોતે દેશભરમાં પોતાના સર્વર ઠપ હોવાની માહિતી આજે જારી કરી હતી. સાથે સાથે લોકોને સહકાર આપવા માટે પણ અપીલ કરી છે. જો થોડાક દિવસ આવી સ્થિતિ રહેશે તો ફ્લાઇટોની અવરજવર ઉપર પણ અસર થઇ શકે છે. કંપનીએ હેસટેગ ટ્રાવેલ એડવાઇઝરી લખીને કહ્યું છે કે, સમગ્ર નેટવર્ક પર અમારી વ્યવસ્થા ડાઉન થઇ છે. કાઉન્ટરો ઉપર ખુબ ભીડ જામી રહી છે. અમે સમસ્યાને ઉકેલવાના પ્રયાસમાં લાગેલા છે. સહાયતા માટે ટ્વિટર, ફેસબુક પર સંપર્ક કરી શકાય છે.

              આ પહેલા જુલાઈ મહિનામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. એ વખતે સેંકડો યાત્રીઓને એરલાઈન્સના સર્વર ખરાબ હોવાના કારણે ખુબ મુશ્કેલી નડી હતી. એ વખતે બેંગ્લોરમાં ૬૩ ફ્લાઇટો અડધા કલાકથી પણ વધુ સમય સુધી અટવાઈ પડી હતી. હાલમાં ભારતમાં ૫૦ ટકા ઉંડાણ ઇન્ડિગોની રહેલી છે. આજની વાત કરવામાં આવે તો ઇન્ડિગોના શેરમાં ૦.૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો જ્યારે તેની હરીફ કંપની સ્પાઇસ જેટના શેરમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.  ઇન્ડિગો એરલાઈન્સના સર્વર ડાઉન થવાના પરિણામ સ્વરુપે હજારોની સંખ્યામાં વિમાની યાત્રીઓ અટવાઈ પડ્યા હતા અને અંધાધૂંધીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, અન્ય એરલાઈન્સની સેવા યથાવતરીતે જારી રહી હતી. દેશભરમાં પોતાના સર્વર ડાઉન હોવા અંગેની કબૂલાત એરલાઈન કંપની ઇન્ડિગો દ્વારા કરવામાં આવી છે.

(7:51 pm IST)