Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઉલ્ફા સહિત ચાર બંડખોર સંગઠન સમજૂતિ કરી શકે

આસામ અને મણિપુરમાં શાંતિ સ્થાપિત થશે : બળવાખોર સંગઠનોની સાથે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે : માત્ર બે મહિનામાં જ સમજૂતિ થઇ શકે

ગુવાહાટી, તા. ૪ : આસામમાં શાંતિના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર યુનાઇટેડ લિબ્રેશન ફ્રન્ટ ઓફ આસામ સહિત અનેક ઉગ્રવાદી સંગઠનો સાથે શાંતિ સમજૂતિ કરવાની તૈયારીમાં છે. આ સમજૂતિ માટે ચાલી રહેલી વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, થોડાક મહિનામાં જ આ સમજૂતિ થઇ જશે. આની સાથે જ આસામમાં શાંતિ સ્થાપિત થવાનો માર્ગ મોકળો થઇ જશે. રોના પૂર્વ ખાસ સચિવ રહી ચુકેલા એબી માથુર મામલામાં મુખ્ય મંત્રણાકાર તરીકે રહ્યા છે. આજે એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, અમે આસામમાં ત્રણ અને મણિપુરના એક બળવાખોર સંગઠન સાથે વાતચીત કરી રહ્યા છે. આસામના જે ત્રણ સંગઠનો છે તેમાં ઉલ્ફા, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોરોલેન્ડ અને કાર્બી ગ્રુપનો સમાવેશ થાય છે જ્યારે મણિપુરમાં કુકી ગ્રુપ સાથે વાતચીત ચાલી રહી છે. વાતચીત સંતોષજનક તબક્કામાં પહોંચી ચુકી છે. થોડાક મહિનામાં જ સમજૂતિ પર હસ્તાક્ષર કરી લેવામાં આવશે.

            ઉલ્ફાના જનરલ સેક્રેટરી અનુપ ચેટિયાએ કહ્યું છે કે, વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. અમને આશા છે કે, આગામી બે મહિનામાં મહત્વપૂર્ણ સમજૂતિ થઇ જશે. અંતિમ તબક્કાની વાતચીત માટે તેઓ નવી દિલ્હી જનાર છે. બીજી બાજુ ઉલ્ફાના એક ટોપ લીડરે માહિતી આપતા કહ્યું હતું કે, વાતચીત રચનાત્મક તબક્કામાં પહોંચી ચુકી છે. કેટલાક મુદ્દાઓનો ઉકેલ આવી ચુક્યો છે. આ મુદ્દો આસામ સમજૂતિના એક હિસ્સા તરીકે છે. આસામ સમજૂતિ ૧૯૮૫માં કેન્દ્ર અને રાજ્ય સરકારે આસામમાં છ વર્ષ સુધી બહારી આંદોલનના કારણે ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન સાથે કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય દ્વારા ગુવાહાટી હાઈકોર્ટના પૂર્વ જજ બીકે શર્માના નેતૃત્વમાં બનાવવામાં આવેલી સમિતિ ૧૯૮૫ના આસામ સમજૂતિની કલમ છને અમલી કરી રહી છે.

(7:50 pm IST)