Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વિકાસ યાદવની પેરોલ અરજી સુપ્રીમે ફગાવી

નીતિશ કટારા હત્યા કેસ મામલામાં

નવી દિલ્હી, તા.૪ : નીતિશ કટારા હત્યા મામલામાં સજા કાપી રહેલા વિકાસ યાદવને સુપ્રીમ કોર્ટે આજે મોટો ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિકાસ યાદવને મોટો ફટકો આપતા તેના તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. વિકાસ યાદવ તરફથી પેરોલ અરજીને સ્પષ્ટપણે ફગાવી દઇને સુપ્રીમ કોર્ટે ૨૫ વર્ષની સજા ગાળવા માટે વિકાસ યાદવને આદેશ કર્યો હતો. ૨૦૦૨માં ૨૫ વર્ષના બિઝનેસમેન નીતિશ કટારાની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. વિકાસ યાદવ શક્તિશાળી નેતા ડીપી યાદવનો પુત્ર છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે તેની અરજી પર સુનાવણી કરી હતી. ગોગોઇની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે, અમે ૨૫ વર્ષની સજા કરી ચુક્યા છે અને હવે સજા પૂર્ણ કરવાનો સમય છે. વિકાસ યાદવ દ્વારા કોર્ટ સમક્ષ ચાર સપ્તાહ માટે પેરોલની માંગ કરી હતી. વિકાસે પોતાની અરજીમાં કહ્યું હતું કે, તે ૧૭ વર્ષની સજા પૂર્ણ કરી ચુક્યો છે જેથી તે હવે પેરોલ લેવા માટે ઇચ્છુક છે. વિકાસ અને તેના ભાઈ વિશાલે સુખદેવ નામના એક શખ્સની સાથે મળીને નીતિશની હત્યા કરી નાંખી હતી. ત્રણેયે નીતિશનું એક લગ્ન પ્રસંગમાંથી અપહરણ કરી લીધું હતું ત્યારબાદ તેને કચડી નાંખીને હત્યા કરી નાંખી હતી. મોડેથી તેના મૃતદેહને સળગાવી દીધો હતો. એવો ખુલાસો થયો હતો કે, નીતિશ તેની સાથી અને ડીપી યાદવની પુત્રી ભારતીને પસંદ કરતો હતો જેને લઇને આ હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં સુખદેવને ૨૦ વર્ષની સજા કરાઈ હતી.

(7:49 pm IST)