Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

નિર્ભયા રેપ : તિહારની નોટિસ સામે સુપ્રીમમાં રજૂઆત કરાઈ

ખુબ જ વિચારણા કરીને નોટિસ સામે અરજી દાખલ : દિલ્હી સરકાર તેમજ જેલ વહીવટીતંત્રને નોટિસનો જવાબ અપાયો : રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ ન કરાઈ

નવીદિલ્હી, તા. ૪ : વર્ષ ૨૦૧૨ના સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ અને હત્યાકાંડના દોષિતોએ આજે સુપ્રીમ કોર્ટના દ્વાર ન ખટખટાવતા આને લઇને નવી ચર્ચા શરૂ થઇ છે. તિહાર જેલ તરફથી મોકલવામાં આવેલી નોટિસની સામે સુપ્રીમ કોર્ટમાં ચારે અપરાધીઓએ રજૂઆત કરી નથી. મૃત્યુદંડની સજામાં ઘટાડો કરવા અથવા તો માફી આપવા માટે ચારે અપરાધીઓ દયા અરજી દાખલ કરવાથી ઇન્કાર કરી ચુક્યા છે. બીજી બાજુ પહેલાથી જ નક્કી કરેલી વ્યૂહરચના મુજબ અને ખાસ રણનીતિ હેઠળ તિહાર જેલમાં રહેલા ચાર પૈકી ત્રણ દોષિતોએ આજે દિલ્હી સરકાર અને જેલ વહીવટીતંત્રને તેમના નોટિસનો જવાબ આપી દીધો છે. તિહાર જેલમાં રહેલા બે અપરાધી વિનયકુમાર શર્મા અને અક્ષયકુમાર સિંહ તથા દિલ્હીની મંડોળી જેલમાં રહેલા પવનકુમાર ગુપ્તાના વકીલ ડો. અજય પ્રકાશસિંહે આ અંગેની વાત કરી છે.

                તિહાર જેલના વહીવટીતંત્રએ ૨૯મી ઓક્ટોબરના દિવસે દોષિતોને ચેતવણી આપતા કહ્યું હતું કે, તેમની પાસે દયા અરજી દાખલ કરવા માટે માત્ર સાત દિવસ બચ્યા છે. તેઓ ઇચ્છે તો આ સાત દિવસની અંદર રાષ્ટ્રપતિની સામે દયાની અરજી દાખલ કરીને તેમની પાસે રહેલા એકમાત્ર કાયદાકીય હકનો ઉપયોગ કરી શકે છે. નોટિસ મળી ગયા બાદ તિહાર જેલ નંબર બેમાં રહેલા નિર્ભયાના હત્યારા વિનયકુમાર શર્મા અને જેલ નંબર ચારમાં રહેલા અક્ષયકુમાર સિંહ તથા મંડોળીની ૧૪ નંબરની જેલમાં રહેલા પવનકુમાર ગુપ્તાની ઉંઘ હરામ થઇ ગઇ છે. શુક્રવારના દિવસે બપોર બાદ ત્રણેય અપરાધીઓના વકીલોએ પોતાના અસીલો સાથે જેલમાં જઈને કલાકો સુધી વાતચીત કરી હતી. આ વિશેષ બેઠક બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે, ચાર પૈકી ત્રણ અપરાધી જેલથી મળેલી નોટિસની સામે સુપ્રીમ કોર્ટમાં જશે. રાષ્ટ્રપતિની સામે દયાની અરજી દાખલ કરશે નહીં.

                 આ ત્રણેય અપરાધીઓમાં પહેલા સુપ્રીમ કોર્ટમાં ફેરવિચારણા અરજી દાખલ કરવાની આશા હતી જ્યારે બાકીના બે અપરાધી એટલે કે વિનયકુમાર શર્મા અને પવનકુમાર ગુપ્તા તરફથી ક્યુરેટિવ પિટિશન દાખલ કરવાની વાત સપાટી ઉપર આવી રહી હતી પરંતુ આજે ત્રણેય અપરાધીઓના વકીલ તિહાર જેલ અને મંડોળી જેલ પહોંચ્યા હતા. અક્ષય અને વિનયકુમારના વકીલ અજય પ્રકાશસિંહે કહ્યું હતું કે, કાનૂન તમામ માટે એક સમાન છે. અમારા અસીલો માટે જ્યારે અનેક દિવસોની રજા પડવાની બાબત નક્કી હતી ત્યારે ૨૯મી ઓક્ટોબરના દિવસે જેલ વહીવટીતંત્ર અને દિલ્હી સરકારે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલવા માટે સાત દિવસનો નોટિસ પિરિયડ આપ્યો હતો જે કાયદાના મજાક સમાન છે. પવનકુમાર ગુપ્તાની વયને લઇને કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે જ્યારે વિનય અને અક્ષયને લઇને અરજીઓ દાખલ કરવાનો અધિકાર રહેલો છે. આવી સ્થિતિમાં અપરાધીઓને આટલા ઓછા સમયગાળાની અંદર નોટિસ આપવાને લઇને કાયદામાં કોઇ વાત નથી.

(7:48 pm IST)