Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

રોહતાંગ પાસમાં છ ઇંચ બરફ પડતાં મનાલી-લેહ નેશનલ હાઇવે બંધ

સિમલા-કુલુ મનાલીમાં કાતિલ ઠંડીની શરૂઆતઃ કેટલાંક રાજયમાં વરસાદની આગાહી

નવી દિલ્હી તા. ૪ :.. શિમલા - મનાલી નજીક રોહતાંગ પાસમાં છ ઇંચ જેટલી ભારે હિમવર્ષા થતાં મનિલા-લેહ નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે હિમવર્ષાના કારણે સમગ્ર ક્ષેત્રમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. છ ઇંચ જેટલો બરફ પડવાથી મનાલી-લેહ નેશનલ હાઇવે પર વાહનોની અવર જવર બંધ કરી દેવાતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

વેલીમાં ઠંડી વધવાની સાથે વિશ્વ વિખ્યાત રોહતાંગ પાસ સહિત આસપાસના વિસ્તારમાં બરફ જામી જવાનો સિલસિલો શરૂ ગયો છે. ભારે હિમવર્ષાના કારણે હાઇવે લપસણો થઇ ગયો છે અને તેથી વાહનોની સુરક્ષા માટે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.

હવામાન ચોખ્ખું થયા બાદ હાઇવે ખોલવામાં આવશે. આમ પણ ૧પ નવેમ્બર રોહતાંગ પાસ સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવે છે. છેલ્લા એક મહિનામાં ભારે બરફ પડવાની રોહતાંગ પાસ બે વખત બંધ કરવો પડયો હતો.

હિમવર્ષાને લઇ કુલુ-મનાલીની ખીણમાં કાતિલ ઠંડી પડવા લાગી છે. રોહતાંગ પાસ પર તાપમાનનો પારો ગગડીને માઇનસમાં ચાલ્યો ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.  પ્રશાસને પ્રવાસીઓ અને સામાન્ય પ્રજાને ખરાબ હવામાનના કરણે રોહતાંગ પાસ નજીક ન જવા જણાવાયું છે. ગુલાબા બેરિયરમાં તહેનાત જવાનોને પણ આદેશ આપવામાં આવ્યો છે કે ખરાબ હવામાનના કારણે દિવસે પણ કોઇ વાહનને બેરિયરથી આગળ વધવાની મંજૂરી આપવામાં આવે નહીં.

બીજી બાજુ ચોમાસું સમાપ્ત થઇ જવા છતાં દેશના કેટલાક વિસ્તારમાં વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર આગામી ર૪ કલાકમાં એમપીનાં ઉજ્જૈન, રતલામ,  ધાર અને ખંડવામાં વરસાદની આગાહી છે, જયારે ગુજરાતમાં સમુદ્રકાંઠાના વિસ્તારમાં વાવાઝોડુ ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. કાશ્મીરમાં પણ હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ આગામી ૪૮ કલાકમાં વરસાદ થવાની સંભવના છે. રાજસ્થાનના જેસલમેર, બિકાનેર, પીલાની ચુરૂ, બાડમેર, સિકર અને અજમેરાના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે અને તેજ હવા ફુંકાઇ રહી છે.

(3:51 pm IST)