Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

બિહારમાં છઠ પૂજા દરમ્યાન અલગ અલગ દુર્ઘટનામાં ૧૮ બાળકો સહિત ૩૦નાં મોત

ઔરંગાબાદમાં સુર્યકુંડ પાસે મચેલી ભાગદોડમાં બે બાળકો મૃત્યુ પામ્યાં

નવી દિલ્હી તા.૪: બિહારમાં રવિવારે પૂરી થયેલી છઠ્ઠ પૂજા દરમ્યાન દીવાલ પડતાં, ભાગદોડ મચતા અને ડૂબવાની અલગ અલગ ઘટનાઓમાં ૧૮ બાળકો સહિત ૩૦ લોકો મૃત્યુ પામ્યા છે. પોલીસે જણાવ્યું કે શનિવાર અને રવિવારે બે મહિલાનાં મોત દીવાલ પડતાં, બે બાળકોનાં મોત ભાગદોડમાં અને ૧૬ બાળકો સહિત ૨૬ લોકોનાં મોત વિવિધ જિલ્લામાં ડૂબી જવાથી થયાં છે.

પોલીસના જણાવ્યાનુસાર સમસ્તી જિલ્લાના બડગાંવમાં રવિવારે સવારે કાલી મંદિરની દીવાલ પડતા છઠ્ઠ પૂજા જોઇ રહેલી બે મહિલા શ્રદ્ધાળુઓ મોતને ભેટી હતી અને ચાર લોકો ઘાયલ થયા છે. હસનપુરના થાના અધ્યક્ષ ચંદ્રકાંત ગૌરીએ જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ ૬-૩૦ કલાકે એ સમયે બની હતી કે જ્યારે શ્રદ્ધાળુઓ સવારનો અર્ધ્ય આપી પાછા ફરવાની તૈયારી કરતા હતા. તેમણે જણાવ્યું કે આ ઘટનાથી અફરાતફરી મચી જતા કાટમાળમાંથી બે મૃતકો સહિત છ મહિલાને બહાર કઢાઇ હતી.એક અન્ય ઘટનામાં ઔરંગાબાદના દેવ બ્લોક સી સૂર્યકુંડ પાસે શનિવારે સાંજે છઠ્ઠ પર્વ દરમ્યાન મચેલી ભાગદોડમાં બે બાળકો મૃત્યુ પામ્યાં હતા. ડૂબવાની ઘટનામાં સમસ્તીપુરના ખજૂરી ગામમાં ૩૫ વર્ષીય વ્યકિત  મૃત્યુ પામી તી. બેગુસરાઇ જિલ્લાના સાહિબપુર કમાલમાં ત્રણ બાળકો તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યાં હતાં જ્યારે અન્ય બેને ગોતાખોરોએ બચાવી લીધા હતા. બેગુસરાઇ જિલ્લામાં શનિવારે સાંજે ચાર લોકો ડૂબી જતાં મૃત્યુ પામ્યાં હતાં જ્યારે એક હજુ લાપતા છે.

વૈશાલી, પૂર્ણિમા અને ખગડિયા જિલ્લામાં છઠ પૂજા દરમ્યાન દસ બાળકો સહિત ૧૮ લોકો મૃત્યુ પામ્યા હતા. ચાર દિવસીય મહાપર્વનું સમાપન રવિવારે સવારે ગંગા અને અન્ય નદીઓ, તળાવના કિનારે લાખો લોકોએ ઊગતા સુર્યને અર્ધ્ય આપવા સાથે સંપન્ન કર્યુ.

(3:42 pm IST)