Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

કાંદાનાં ભાવ ફરી લાવ્યા આંખોમાં પાણીઃ કિલોના ૮૦ રૂપિયા

મુંબઈ, તા.૪: ગરીબ લોકોની કસ્તુરી કહેવાતા કાંદા (ડુંગળી)ના ભાવ મુંબઈમાં ફરી આસમાને પહોંચી ગયા છે. કાંદાના ભાવે ફરી આંખોમાં આંસુ લાવી દીધા છે. જૂના કાંદાના મર્યાદિત સ્ટોક, વરસાદને કારણે નવા કાંદાના ઉત્પાદનને થયેલા નુકસાનને કારણે બજારમાં કાંદાની કારમી તંગી સર્જાઈ છે. માગણીની સરખામણીમાં પુરવઠો ઓછો હોવાને કારણે કાંદાના ભાવ વધી ગયા છે. ગઈ કાલે, હોલસેલ બજારમાં કાંદાનો પ્રતિ કિલો ભાવ ૪૦-૬૦ રૂપિયા હતો જયારે છૂટક બજારોમાં પ્રતિ કિલો ૭૦-૮૦ રૂપિયા હતો. મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે એને કારણે કાંદાના ઉત્પાદનને પારાવાર નુકસાન થયું છે. બજારોમાં ભીંજાયેલા કાંદા મળે છે. સૂત્રોનું કહેવું છે કે આવનારા અઠવાડિયાઓમાં કાંદાનો પ્રતિ ૧૦ કિલો ભાવ ૪૦૦ રૂપિયા સુધી પહોંચે એવી શકયતા છે. મુંબઈ બંદર મારફત ઈજિપ્તથી કાંદાની આયાત કરવામાં આવી છે. એવા કાંદાની માંગ કેન્ટિન, હોટેલ પ્રોફેશનલ્સ તરફથી વધારે કરવામાં આવી છે. સ્થાનિક છૂટક ગ્રાહકોને આ કાંદા વેચવામાં નહીં આવે.

(3:30 pm IST)