Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

'મહા' વાવાઝોડાએ બદલી દિશા : હવે દીવથી પોરબંદર વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે

૪ નવેમ્બરે તથા ૭ અને ૮ નવેમ્બર એટલે ગુરૂ અને શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે

અમદાવાદ, તા.૪: ગુજરાત પર સર્જાયેલું મહા વાવાઝોડાનું સંકટ હજી ટળ્યું નથી પરંતુ તેણે દિશા બદલી છે. આ વાવાઝોડું હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે આ વાવાઝોડું ૬ નવેમ્બરે દીવથી પોરબંદરનાં દરિયા કિનારે ટકરાશે. હવે આ વાવાઝોડું વેરાવળથી ૬૬૦ કિલોમીટર દૂર છે. ૬ નવેમ્બરની મધ્યરાત્રીએ ટકરાય તેવું અનુમાન છે. જેના કારણે તંત્રએ માછીમારોને અલર્ટ કરતા દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.

મહત્વનું છે કે આ પહેલા 'મહા' વાવાઝોડું ૬ નવેમ્બરનાં રોજ દીવથી દ્વારકાની વચ્ચેનાં દરિયાકાંઠે ટકરાવવાની શકયતાઓ દર્શાવવામાં આવી છે. દીવ દ્રારકાનાં દરિયા કિનારે ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શકયતાઓ હતી. આ સાથે આજે એટલે ૪ નવેમ્બરે તથા ૭ અને ૮ નવેમ્બર એટલે ગુરૂ અને શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ૪ નવેમ્બરનાં રોજ જામનગર, મોરબી તથા દ્વારકામાં અતિભારે વરસાદની શકયતાઓ છે. આ સાથે ૭ નવેમ્બરનાં રોજ અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દિવમાં આગાહી છે. જયારે ૮ નવેમ્બરે પણ અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. રાજયમાં NDRFની ૧૫ ટીમને એલર્ટ કરવામાં આવી છે. વડોદરામાં ૧૨ અને ગાંધીનગરમાં ૩ ટીમ એલર્ટ કરાઈ છે. રાજયના તમામ બંદરો પર ૨ નંબરના સિગ્નલ લગાવાયા છે. સહેલાણીઓને દરિયાકાંઠેથી દૂર રહેવાની સૂચના પણ આપી દેવાઇ છે. બીજી બાજુ કરંટના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

(3:29 pm IST)