Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વાવાઝોડુ 'મહા' કાલે સવાર સુધીમાં ટર્ન મારશે : ઉત્તરોત્તર નબળુ બનતુ જશે

હાલમાં વાવાઝોડાની જે પરિસ્થિતિ છે તેના કરતા બે દિવસમાં નબળુ પડી જશે : વરસાદ અને પવન માટે હવામાન ખાતાની સુચનાને અનુસરવુ : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૪ : 'મહા' વાવાઝોડુ એકસસ્ટ્રીમલી સીવીયર સ્ટ્રોમ બની ગયુ છે જે મધ્ય પૂર્વ અને લાગુ મધ્ય પશ્ચિમ અરબી સમુદ્રમાં છે. હાલમાં તેનું લોકેશન ૧૮.૫ નોર્થ, ૬૪.૩ ઈસ્ટ પવન ૧૬૫ થી ૧૭૫ કિ.મી.ની ઝડપ અને પોરબંદરથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે ૬૫૦ કિ.મી. દૂર છે. આવતીકાલ સવાર સુધીમાં દિશા બદલી ફરી ભારત તરફ પ્રયાણ કરશે. જેની દિશા પૂર્વ ઉત્તર પૂર્વની હશે.

હવામાન ખાતુ અને જેટીડબલ્યુસી (જોઈન્ટ ટાઈફુન વોટ સેન્ટર) આ બંને જણાવે છે કે આ સિસ્ટમ્સ રીટર્ન આવતા આવતા નબળી પડતી જશે જે દરિયા કિનારે પહોંચે ત્યારે આશરે ૧૦૦ કિ.મી. ઝડપ જયારે જેટીડબલ્યુસી પવનનું પ્રમાણ ઓછુ આંકે છે એટલે કે ૮૦ કિ.મી.ની આસપાસ. (તા.૭ આસપાસ).

વાવાઝોડાની ખાસિયત એ છે કે ઉપલા લેવલના વાદળો છે તેનુ તાપમાન સામાન્ય રીતે -૮૦ ડિગ્રી હોય તેના બદલે આ વાવાઝોડાના વાદળો -૬૦ ડિગ્રી જ છે. આ વાવાઝોડાની આંખ હાલમાં જોવા મળે છે. વાવાઝોડાના ઘટ્ટ વાદળ સમૂહના ફેલાવો ૨૦૦ કિ.મી. વ્યાસમાં છે.

પવન અને વરસાદ અંગે હવામાન ખાતાની સુચનાને અનુસરવુ કારણ કે યુરોપિયન મોડલમાં વાવાઝોડુ ધારણા કરતા વધુ નબળુ પડી જાય તેવુ દર્શાવે છે.

(3:29 pm IST)